- ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું
- FDIમાં 42 ટકાનો ઝડપી ઘટાડો
- તે ઘટીને 13.5 અબજ ડોલર
નવી દિલ્હી: ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના જુલાઇથી સપ્ટેમ્બર સુદીના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં સીધુ વિદેશી રોકાણ વાર્ષિક ધોરણે 42 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 13.5 અબજ ડોલર રહ્યું છે.
વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટર દરમિયાન દેશમાં 23.4 અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું હતું. અલબત્ત કોરોના મહામારી પૂર્વેના નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ FDIનો મૂડીપ્રવાહ 39.17 ટકા વધ્યો હતો.
ગત નાણાંકીય વર્ષ 2021 સપ્ટેમ્બર ક્વાર્ટરના 28.1 અબજ ડોલરની સરખામણીએ ચાલુ વર્ષના બીજા ત્રિમાસિકમાં ઇક્વિટી ઇનફ્લો, રિ-ઇન્વેસ્ટેડ અર્નિંગ્સ અને અન્ય મૂડી સહિત કુલ FDI ઇનફ્લો વાર્ષિક ધોરણે 30% ઘટીને 19.7 અબજ ડોલર રહ્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકગાળા દરમિયાન ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ બમણી વૃદ્ધિ સાથે 17.5 અબજ ડોલર નોંધાયુ છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 6.56 અબજ ડોલર હતું. આ સાથે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસિકગાળામાં ભારતે 31.1 અબજ ડોલરનું સીધુ વિદેશી મૂડીરોકાણ મેળવ્યુ છે જે વાર્ષિક તુલનાએ વિદેશી મૂડીપ્રવાહમાં ચાર ટકાની વૃદ્ધિ દર્શાવે છે.