- દેશમાં સારા ચોમાસા વચ્ચે ખાતરને લઇને સારા સમાચાર
- વર્ષ 2020-21માં ખાતરનું વેચાણ 10 ટકા વધશે
- ખાતરનું વેચાણ 10 ટકા વધીને 6.8 કરોડ ટન રહેવાનું અનુમાન
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે સારું ચોમાસું પણ જોવા મળ્યું હતું. દેશમાં સારા ચોમાસા વચ્ચે વર્ષ 2020-21માં સ્થાનિક ખાતરના વેચાણમાં 10 ટકાના વધારા સાથે રેકોર્ડ 6.8 કરોડ ટન થવાની સંભાવના છે. આ ગત પાંચ વર્ષના 3 ટકાની વાર્ષિક વૃદ્વિ દરથી ઘણી વધુ રહેશે. ક્રિસીલ રેટિંગના એક રિપોર્ટ અનુસાર, સારા ચોમાસાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં ખાતરનું વેચાણ 10 ટકા વદીને રેકોર્ડ 6.8 કરોડ ટન રહેશે.
તે ઉપરાંત ગત નવેમ્બરમાં આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 હેઠળ સરકાર દ્વારા જાહેર કરાયેલ 65,000 કરોડ રૂપિયાની વધારાની સબસિડીનું સમયસર વિતરણ કરવાને કારણે ખાતર ઉત્પાદકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
ક્રિસીલ રેટિંગના વરિષ્ઠ ડાયરેક્ટર મનીષ ગુપ્તાએ કહ્યું હતું કે વધારાની સબસિડીનાં વિતરણથી આ નાણાકીય વર્ષના અંત સુધી ખાતર ઉદ્યોગ પર દેવું ત્રણ ચતુર્થાંસ ઘટી જશે તેમજ તેમની જવાબદારીઓના દિવસોની સરેરાશ સંખ્યા 200 થી ઘટીને 50 દિવસ પર આવી જશે.
તેમાં વધુમાં એવી પણ જાણકારી અપાઇ છે કે ગત નાણાકીય વર્ષના અંત સુધીમાં ખાતર ઉદ્યોગનું બાકી લેણું વધીને રૂ.50,000 કરોડ રૂપિયાથી વધુ થઇ ગયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં સબસિડી માટે 71,000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી.
(સંકેત)