Site icon Revoi.in

આઝાદી બાદ પ્રથમવાર બજેટના દસ્તાવેજ પ્રિન્ટ નહીં થાય, સોફ્ટ કોપી પરથી બજેટ રજૂ કરશે નાણાંમંત્રી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બજેટ 2021-22નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમ સૌથી પડકારજનક બજેટ રજૂ કરવા માટે સજ્જ છે. કોરોનાને કારણે ભારતીય અર્થતંત્ર પ્રભાવિત થયું છે ત્યારે એવા સમયે બજેટ તૈયાર કરવું ખૂબજ પડકારજનક સાબિત થઇ શકે છે.

પરંતુ પડકારની સાથોસાથ એક વાત ચોક્કસ છે કે આ વખતનું બજેટ અગાઉના બજેટ કરતાં તદ્દન વિપરીત અને અસાધારણ હશે. આ એવું બજેટ હશે જે સદીઓ જૂની પરંપરાઓ અને રીતરિવાજોને વિરામ લગાવશે અને સાથે જ આ વખતે બજેટ દસ્તાવેજ છપાશે નહીં. આ વખતે દરેક સાંસદોને બજેટના દસ્તાવેજની સોફ્ટ કોપી આપવામાં આવશે.

અત્યારસુધીના બજેટના ઇતિહાસમાં પહેલી વાર એવું થશે જ્યારે 26 નવેમ્બર 1947 બાદ બજેટની કોપીઓ છપાશે નહીં. નોર્થ બ્લોકમાં બજેટ દસ્તાવેજોની પ્રિન્ટિંગ માટે એક પ્રેસ સાથે એક બોર્ડિંગ અને લોજિંગ ક્ષેત્રની સાથોસાથ 100થી વધારે બજેટ અધિકારીઓ છે જે બજેટ દસ્વાતેજને સીલ કરવા અને વિતરણ કરવા સુધી પ્રેસમાં રાખવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે સરકારે આ પરંપરાને બદલવાનો નિર્ણય લીધો છે. સંસદના તમામ સભ્યોને આ વખતે બજેટની સોફ્ટ કોપી મળશે.

એટલું જ નહી પારંપરિક હલવા સેરેમની જે બજેટના પ્રિન્ટિંગ બાદ મનાવવામાં આવે છે. લાગે છે કે આ વખતે હલવા સેરેમની પણ નહી થાય. હલવા સેરેમનીનું આયોજન બજેટ રજૂ કરવાના 15 દિવસ પહેલા નોર્થ બ્લોકના બેઝમેન્ટમાં કરવામાં આવે છે.

મહત્વનું છે કે, સંસદ ઘણાં સમયથી પોતાનો તમામ રેકોર્ડ ડિજીટલાઇઝ કરવા માંગતી હતી પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, મહામારીને કારણે હવે આ હકીકતમાં શક્ય બન્યું છે. કોરોનાને કારણે હવે સંસદ પણ પેપરલેસ થઇ ગયું છે.

(સંકેત)