- કોરોના કાળમાં લોકોની જીવનશૈલીમાં અનેક ફેરફાર જોવા મળ્યા
- આ સમય દરમિયાન લોકોની જરૂરિયાતોમાં પણ પરિવર્તન થયું
- માર્કેટમાં ચપ્પલના વેચાણમાં જોવા મળી તેજી
કોરોના સંકટની વચ્ચે લોકોના જીવનમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે અને લોકોની જરૂરિયાતોમાં પણ ફેરફાર નોંધાયો છે. હાલમાં અનલોક છત્તાં અનેક જગ્યાએ હજુ પણ ઓફિસ અને માર્કેટ બંધ છે જેના કારણે ફૂટવેર ઇન્ડસ્ટ્રીની સેલ્સ પેટર્નમાં ઘણાં ફેરફાર જોવા મળ્યા છે. કોરોના કાળમાં ખાસ કરીને ચપ્પલનું વેચાણ વધી રહ્યું છે, જો કે ઓફિસ માટેના ફોર્મલ શૂઝ તેમજ સ્પોર્ટ્સ શૂઝના વેચાણમાં ઘટાડાનો ટ્રેન્ડ છે.
ચપ્પલના વેચાણમાં તેજી
ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝના લોકોના મતે હાલમાં કોરોના સંકટને કારણે મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને ઘરની બહાર ખૂબ ઓછા નીકળી રહ્યા છે, જેના કારણે સેન્ડલ અને ચપ્પલનું વેચાણ 80 ટકા પૂર્વ-કોવિડ સ્તર પર પહોંચી ગયું છે. લોકો તેમના સ્વાસ્થ્યને લઇને પણ વધુ સતર્ક બન્યા છે. જેને કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યા છે અને સંક્રમણ રોકી શકાય એટલે ચપ્પલનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ કારણોસર ચપ્પલના વેચાણમાં તેજી જોવા મળી છે.
સ્પોર્ટ્સ શૂઝનું વેચાણ ઘટ્યું
બીજી તરફ સ્પોર્ટ્સ ફૂટવેરના વેચાણમાં એટલી તેજી જોવા નથી મળી રહી. હાલમાં સ્પોર્ટ્સ શૂઝનું વેચાણ પૂર્વ-કોવિડ સ્તરના 25 ટકા સુધી પહોંચ્યું છે. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં કોરોનાની અસર ઓછી છે, જેના પરિણામે સેન્ડલ અને ચપ્પલના વેચાણ પર ઓછી અસર પડી છે. ગ્રામીણ ભારતમાં સ્પોર્ટ્સ શૂઝની જગ્યાએ ચપ્પલનું વધુ વેચાણ થાય છે.
લોકોની જરૂરિયાતો બદલાઇ
રોગચાળાના કારણે લોકોની જરૂરિયાત બદલાઇ ગઇ છે. લોકોની જરૂરિયાતો બદલતા માર્કેટમાં વેચાણ પદ્વતિમાં પણ પરિવર્તન જોવા મળ્યું છે. ચપ્પલના વેચાણના ટ્રેન્ડ પર નજર કરીએ તો જે ચપ્પલનું વેચાણ થઇ રહ્યું છે તેમાં 80 ટકા ચપ્પલની કિંમત 500 રૂપિયાથી નીચે છે. જો કે ઓનલાઇન માર્કેટમાં 5000 સુધીની ચપ્પલ વેચાઇ રહી છે.
મહત્વનું છે કે, હાલમાં કોરોનાના સંકટના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક થયા છે અને ઘરેથી કામ કરી રહ્યા છે ત્યારે ઘરમાં અવરજવર દરમિયાન કોઇના સંપર્કમાં આવવાથી કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે લોકો ચપ્પલનો વધુને વધુ વપરાશ કરી રહ્યા છે અને તેને કારણે ચપ્પલનું માર્કેટ ફૂલ્યુંફાલ્યું છે.
(સંકેત)