- કોરોના કાળમાં મંદી બાદ હવે અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે
- ભારતીય અર્થતંત્ર સકારાત્મક વૃદ્વિથી ફક્ત કેટલાક પગલાં જ દૂર
- વેક્સિન આવી ગઇ હોવાથી ભારતીય અર્થતંત્ર ઝડપ પકડશે
મુંબઇ: કોરોના કાળમાં દેશવ્યાપી લોકડાઉન બાદ અર્થતંત્રમાં જોવા મળેલી મંદી બાદ અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે. દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઇએ દાવો કર્યો છે કે ભારતીય અર્થતંત્ર સકારાત્મક વૃદ્વિથી ફક્ત કેટલાક પગલાં જ દૂર છે. ભારતીય અર્થતંત્રમાં વી શેપ રિકવરીનો ઉલ્લેખ કરતા RBIએ કહ્યું હતું કે આ રિકવરીમાં Vનો અર્થ વેક્સિન થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો RBIનું કહેવું છે કે હવે વેક્સિન આવી ગયા બાદ ભારતીય અર્થતંત્ર ઝડપ પકડશે.
RBI પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતને પોલિયો અને ઓળી અછબડાના રસીકરણ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવાનો અનુભવ છે. વધુમાં, મેક્રોઇકોનોમિક લેન્ડસ્કેપમાં તાજેતરના ફેરફારોને કારણે અર્થતંત્રમાં દૃષ્ટિકોણમાં સુધારો થયો છે. ફુગાવામાં ઘટાડો થયો છે, જે કુલ સ્થાનિક ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્વિની અપેક્ષાઓને વેગ આપે છે. જો આ સ્થિતિ રહેશે તો આર્થિક વિકાસની ગતિને ટેકો મળશે.
કેન્દ્રીય બેંકના અહેવાલમાં વિલિયમ શેક્સપિયરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘Winter of discontent will be made glorious summer’ એટલે કે અસંતોષ અને દુ:ખનો સમય વીતી ગયો છે. હવે તે માત્ર સારું થવાનું છે, એટલે કે રસી એક સારા અનુભવમાં ફેરવાઈ ગઈ છે. આ લેખનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો થઈ શકે છે, પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં તેમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ભાગમાં ગ્રાહક ખર્ચમાં વધારો આર્થિક વિકાસમાં મદદ કરશે.
આરબીઆઈએ સ્ટેટ ઓફ ઇકોનોમી લેખમાં જણાવ્યું હતું કે બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઘટી રહી છે અને લોન રિકવરીમાં પણ સુધારો થયો છે. મૂડી ના સિંચન અને બાકી લોનને સંભાળવાની નવી રીતો દેશના અર્થતંત્રને વિકાસ અને વૃદ્ધિમાં પાછા લાવશે.
(સંકેત)