- દેશના અર્થતંત્રમાં મજબૂતીના સંકેત
- બીજા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિ દર 8.4 ટકા રહ્યો
- ગત વર્ષે 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી -7.5 ટકા રહ્યો હતો
નવી દિલ્હી: કોવિડની બીજી લહેર દરમિયાન અર્થતંત્ર પ્રભાવિત થયા બાદ હવે અર્થતંત્રમાં તેજી અને મજબૂતીના સંકેતો મળી રહ્યા છે. હવે જાહેર થયેલા કેટલાક આંકડાઓ પણ આ વાતની સાબિતી આપે છે. નાણાકીય વર્ષ જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિ દર 8.4 ટકા રહ્યો. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી 20.1 ટકા રહ્યો હતો. ગત વર્ષે 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી -7.5 ટકા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં જીડીપી રૂ. 35.73 લાખ કરોડ પર પહોંચી ગયો. જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.32.97 લાખ કરોડ હતો તેવું આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે કહ્યું હતું.
NSOના જાહેર થયેલા આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિકમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોસ વેલ્યૂ એડેડ ગ્રોથ 5.5 ટકા રહ્યો. ગત નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં તેમાં -1.5 ટકાનો ગ્રોથ નોંધાયો હતો. કૃષિ ક્ષેત્રનો GVA Growth 4.5 ટકા રહ્યો છે.
મહત્વનું છે કે, 7.5 ટકાનો જીવીએ ગ્રોથ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં હતો. ગયા વર્ષે એપ્રિલ-જુલાઈ ક્વાર્ટર દરમિયાન તે -7.2 ટકા હતો. ખાણકામ ક્ષેત્રે 15.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. ક્વાર્ટરમાં વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓમાં 8.9 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.