Site icon Revoi.in

જીયો બાદ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે જનરલ અટલાન્ટિક, 0.84 % હિસ્સેદારી ખરીદશે

Social Share

નવી દિલ્હી: રિલાયન્સ જીયોમાં રોકાણ કર્યા બાદ હવે અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 3675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની આ રોકાણ સાથે રિલાયન્સ રિટેલમાં 0.84 ટકા હિસ્સેદારી મેળવશે. આ મહિનાની શરૂઆતમાં ટેક ઇન્વેસ્ટર કંપની સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં 7500 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકાની હિસ્સેદારી મળી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 0.8 ટકા હિસ્સેદારી 3675 કરોડ રૂપિયામાં ખરીદશે. જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 4.28 લાખ કરોડના વેલ્યૂએશન પર રોકાણ કર્યું છે.

આ અંગે વાત કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે જનરલ અટલાન્ટિકની સાથે અમારા સંબંધોને આગળ વધારવાની ખૂબ ખુશી છે. કારણ કે અમે વેપારીઓ અને ગ્રાહકો બંનેને સમાનરૂપથી સશક્ત બનાવવા અને અંતે ભારતીય રિટેલને બદલવાની દિશામાં કામ કરી રહ્યા છે. રિલાયન્સ રિટેલની જેમ જનરલ અટલાન્ટિક ભારત અને દુનિયાભરમાં પ્રગતિ, વિકાસ અને સમાવેશન માટે ડિજીટલ સક્ષમતાની મૌલિક ક્ષમતામાં વિશ્વાસ ધરાવે છે.

આ અંગે જનરલ અટલાન્ટિકના મુખ્ય કારોબારી અધિકાર બિલ ફોર્ડે જણાવ્યું કે, જનરલ અટલાન્ટિક દેશના રિટેલ ક્ષેત્રમાં પર્યાપ્ત સકારાત્મક ફેરફાર લાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા બિઝનેસ મિશનનું સમર્થન કરવા માટે ઉત્સાહિત છે.

નોંધનીય છે કે, જનરલ અટલાન્ટિકનું રિલાયન્સ ગ્રુપમાં આ બીજું રોકાણ છે. આ પહેલા તેણે જિયો પ્લેટફોર્મ્સમાં 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

(સંકેત)