Site icon Revoi.in

નેગેટિવ રિટર્નના ભયથી ગોલ્ડ ETFમાં મૂડીપ્રવાહ 67 ટકા ઘટ્યો

Social Share

નવી દિલ્હી: સોનાના ભાવમાં ઉંચા સ્તરેથી ફરીથી નોંધપાત્ર ઘટાડો થયો છે. રોકાણકારોને વર્ષ 2020ની તેજીનું પુનરાવર્તન વર્ષ 2021માં થશે કે કેમ તે અંગે આશંકા છે. સોનામાં નેગેટિવ રિટર્નના ડરથી રોકાણકારો હાલ ડિજીટલ ગોલ્ડ એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં નવું રોકાણ કરતા ખચકાઇ રહ્યા છે આથી ફેબ્રુઆરીમાં ગોલ્ડ ETFમાં નવો મૂડીરોકાણ ઘટ્યું છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ફેબ્રુઆરી 2021માં ગોલ્ડ ETFમાં 491 કરોડ રૂપિયાનું નવુ મૂડીરોકાણ આવ્યુ છે જે માસિક તુલનાએ 21 ટકા અને વાર્ષિક સરખામણીએ 67 ટકા ઓછો છે. ગોલ્ડ ETFમાં જાન્યુઆરી 2021માં 624 કરોડ રૂપિયાનું નવુ મૂડીરોકાણ આવ્યુ હતુ. તો ફેબ્રુઆરી 2020માં 1483 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો નોંધાયો હતો જે છેલ્લા 11 વર્ષનો સૌથી મોટો મૂડીપ્રવાહ છે. આ સાથે ફેબ્રુઆરી 2021ના અંતે ગોલ્ડ ETFની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 14,101 કરોડ નોંધાઇ છે.

આપને જણાવી દઇએ કે કોરોના મહામારી તેમજ આર્થિક મંદીના લીધે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઉછળતા રોકાણકારોએ સોનામાં જંગી મૂડીરોકાણ કર્યું હતું. સામાન્યપણે સોનાને સંકટ સમયની સાંકળ કહેવામાં આવે છે અને સોનામાં કરેલું રોકાણ સૌથી સુરક્ષિત હોવાનું મનાય છે.

નોંધનીય છે કે, કેલેન્ડર વર્ષ 2021ની શરૂઆતથી સોના અને ચાંદી બંને કિમતી ધાતુઓના ભાવ ઘટી રહ્યા છે. જેમાં સોનાના ભાવ ઝડપથી તૂટ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું હાલ 1600 ડોલર પ્રતિ ટ્રોયની નીચે બોલાઇ રહ્યુ છે. તો સ્થાનિક બજારમાં ભાવ 45,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે જતા રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં વિશ્વબજારમાં સોનાના ભાવમાં 6.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો ભારતીય બજારમાં સોનામાં 6.27 ટકાનું નેગેટિવ રિર્ટન મળ્યુ હતુ.

ચલણમાં ગણતરી કરીયે તો ફેબ્રુઆરીમાં સોનું 3200 રૂપિયા સસ્તુ થયુ હતુ. આ સાથે કેલેન્ડર વર્ષ 2021ના પ્રથમ બે મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સોના ભાવ 7.72 ટકા તૂટ્યા છે.

(સંકેત)