- 16 જૂનથી દેશમાં માત્ર હોલમાર્ક ધરાવતું સોનું જ વેચી શકાશે
- BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે
- ઘરમાં પડેલા સોનાને નહીવત્ અસર થાય, તે સોનું પણ વેચી શકાશે
નવી દિલ્હી: આગામી 16 જૂનથી એક મોટો ફેરફાર થઇ રહ્યો છે. આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઇ જશે. આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યપણે હોલમાર્કિંગની વ્યવસ્થા લાગૂ કરવાની સમયમર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. આનો અર્થ એ થયો કે, 15 જૂન બાદ સોના-ચાંદીના વેપારીઓ માત્ર 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો જ વેચી શકશે. BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે.
હોલમાર્કિંગના કાયદાને કારણે ગ્રાહકોના હિતોનું રક્ષણ થશે. ગ્રાહકો છેતરપિંડીથી બચી શકશે. સોનાની શુદ્વતા પર થર્ડ પાર્ટીની ગેરેન્ટી હશે.
જૂના સોનાનું શું થશે
ગોલ્ડ હોલમાર્કિંગના કાયદાને લીધે ઘરમાં પડેલા સોનાને કોઇ અસર નહીં થાય. ગ્રાહક ઇચ્છે ત્યારે જૂના ઘરેણાં વેચી શકશે. સોનીઓ હોલમાર્ક વગર સોનું નહીં વેચી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઇંગ ગ્લાસ વડે જોઇશું તો ઘરણાં પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્વતા દર્શાવતો નંબર જેમ કે 22k અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઇડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.