અર્થતંત્રમાં રિકવરીના સંકેત: માર્ચમાં ભારતની નિકાસ વધીને 3 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ
- કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે શુભ સંકેતો
- માર્ચમાં ભારતની નિકાસ 58.23 ટકા વધીને 34 અબજ ડોલર
- માર્ચમાં આયાત પણ 52.89 ટકા વધીને 48.12 અબજ ડોલર નોંધાઇ
નવી દિલ્હી: કોરોના મહામારી માટે વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે એક સકારાત્મક ન્યૂઝ છે. માર્ચમાં ભારતની નિકાસ 58.23 ટકા વધીને 34 અબજ ડોલર થઇ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફાર્મા સેક્ટરની નિકાસ વધવાને કારણે નિકાસમાં આ ઉછાળો જોવા મળ્યો છે. પ્રથમ વખત એક મહિનામાં નિકાસ 34 અબજ ડોલર થઇ છે તેવું મંત્રાલયે જણાવ્યું છે.
બીજી તરફ માર્ચમાં આયાત પણ 52.89 ટકા વધીને 48.12 અબજ ડોલર નોંધાઇ છે. જે ગત વર્ષે માર્ચમાં 31.47 અબજ ડોલર હતી. માર્ચ, 2021માં વેપાર ખાધ વધીને 14.12 અબજ ડોલર થઇ છે. જે ગત વર્ષે સમાન સમયગાળામાં 9.98 અબજ ડોલર હતી.
વાણિજ્ય મંત્રાલયના નિવેદન અનુસાર, માર્ચ, 2021માં ભારતની નિકાસ 34 અબજ ડોલર રહી છે. જે માર્ચ, 2020માં 21.49 અબજ ડોલર હતી. જે 58.23 ટકાનો વધારો દર્શાવે છે.
આ અંગે વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે ટ્વિટર પર જણાવ્યું હતું કે માર્ચ મહિનાની નિકાસમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૫૮ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ એક મહિનામાં નિકાસ ૩૪ અબજ ડોલર થઇ છે.
(સંકેત)