- ગૂગલ પે યૂઝર્સના USના યૂઝર્સ માટે મહત્વના સમાચાર
- હવે યુએસના યૂઝર્સ પાસેથી કંપની મની ટ્રાન્સફર માટે ચાર્જ વસૂલશે
- જો કે ભારતના યૂઝર્સ પાસેથી કોઇ ચાર્જની વસૂલાત નહીં કરાય
નવી દિલ્હી: ગૂગલ પે યૂઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. ગૂગલ પે હવે મની ટ્રાન્સફર કરવા માટે ચાર્જની વસૂલાત કરશે. જાન્યુઆરી 2021થી ગૂગલ પે પોતાના પ્લેટફોર્મ પરથી પીયર ટૂ પીયર પેમેન્ટ સુવિધા બંધ કરી રહ્યું છે. ગૂગલ મની ટ્રાન્સફર માટે જે ચાર્જ વસૂલશે તે અંગે કંપની દ્વારા વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મની ટ્રાન્સફર પર ચાર્જ માત્ર USના યૂઝર્સ પાસેથી લેવામાં આવશે અને તેનાથી ભારતમાં રહેલા યૂઝર્સ પર કોઇ અસર નહીં થાય.
તમે જ્યારે ડેબિટ કાર્ડથી મની ટ્રાન્સફર કરશો ત્યારે ગૂગલ તે ટ્રાન્ઝેક્શન પર 1.5 ટકા અથવા $.31 ચાર્જ વસૂલશે. જો કે ભારતીય યૂઝર્સ પાસેથી હાલમાં કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. ચાર્જ અંગે સ્પષ્ટતા કરતા ગૂગલના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ ચાર્જ માત્ર યુએસના યૂઝર્સ પાસેથી લેવામાં આવશે અને ભારતીય યૂઝર્સ પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં.
ગૂગલે વેબ એપ પર નોટિસ મૂકીને યૂઝર્સને જણાવ્યું છે કે જાન્યુઆરી 2021થી સાઇટ કામ કરશે નહીં. વર્ષ 2021થી યૂઝર્સ મની ટ્રાન્સફર સુવિધા માટે pay.google.com સાઇટનો ઉપયોગ કરી શકશે નહીં. તેના માટે યૂઝર્સે અપડેટેડ ગૂગલ પે એપનો ઉપયોગ કરવાનો રહેશે.
ગૂગલે ગૂગલ પે વેબ એપની સુવિધા તેમજ પીયર ટૂ પીયર પેમેન્ટ્સની સુવિધા દૂર કરવાનું નક્કી કર્યું છે અને માત્ર મોબાઇલ એપ મારફતે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. એનો મતબલ એ થયો કે તમે માત્ર મોબાઇલ એપના માધ્યમથી ફંડ મેળવી કે મોકલી શકશો.
નોંધનીય છે કે, ગુગલ તરફથી ગત સપ્તાહે ઘણા નવા ફિચર રજુ કર્યા છે. આ બધા ફિચર અમેરિકી એન્ડ્રોઇડ (Android)અને આઈઓએસ (iOS)યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યા છે. સાથે કંપનીએ ગુગલ પે ના લોગોમાં પણ ફેરફાર કર્યો છે.
(સંકેત)