- દેશના રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારનો નિર્ણય
- દેશમાં રૂ.2300 કરોડના ખર્ચે રમકડાંના ઉત્પાદન માટે 8 પ્લાન્ટની સ્થાપના કરાશે
- આ પ્લાન્ટની સ્થાપના બાદ ભારત રમકડાં ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે
નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની અન્ય દેશો પ્રત્યેની પરાધીનતા ઘટાડીને સ્વદેશમાં જ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું તેવું હતું. આજે ભારત મોટા ભાગના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ દોટ લગાવી રહ્યું છે અને હવે રમકડાં ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. સરકાર રમકડાં ક્ષેત્રે ચીનના વર્ચસ્વને નાબૂદ કરવા અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહિત કરીને રમકડાં ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે આ ઉદ્યોગ માટે અનેક પગલાંની જાહેરાત કરી રહી છે.
આ જ દિશામાં હવે દેશના રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તેમજ રમકડાં ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવાના ઉદ્દેશ સાથે સરકારે રૂ.2300 કરોડના ખર્ચે આઠ રમકડાં ઉત્પાદન પ્લાન્ટને મંજૂરી આપી છે.
સરકાર ફંડ ફૉર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ જેવી યોજનાઓ હેઠળ દેશમાં આઠ રમકડાંના પ્લાન્ટ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. એકવાર પ્લાન્ટ સ્થાપિત થયા બાદ તેનાથી લાકડાં, વાંસ, પામ લીવ્સ તેમજ કાપડમાંથી બનેલા રમકડાંના ઉત્પાદનને વેગ મળશે.
જે આઠ પ્લાન્ટ સ્થપાશે, તેમાં ત્રણ મધ્યપ્રદેશમાં, બે રાજસ્થાન, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં 1-1 પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફંડ ફૉર રીજનરેશન ઑફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ કર્ણાટક તેમજ આંધ્રપ્રદેશમાં પહેલાથી જ બે રમકડાંના પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે. ટૂંકમાં, સરકાર સમગ્ર દેશમાં 35 રમકડાંના પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.
સ્ફૂર્તિ સ્કીમ હેઠળ સ્કીલ ડેવલપમેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ, કોમન ફેસિલિટી સેન્ટર, રીહાઉસિંગ ફેસિલિટી, ઇકોમર્સ આસિસ્ટન્સ જેવા લાભો મળવાપાત્ર છે.
નોંધનીય છે કે, આગામી 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન જ્યારે દેશમાં ટોય ફેર- 2021નું આયોજન થવા જઇ રહ્યું છે ત્યારે તેની અગાઉ સરકાર દ્વારા આ આઠ રમકડાંના પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે.
(સંકેત)