Site icon Revoi.in

કેન્દ્ર સરકારનું સફાઇ અભિયાન, ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની કરી કમાણી

Social Share

નવી દિલ્હી: દર વર્ષે દિવાળી પર્વ પર પહેલા દરેકના ઘરમાંથી ધૂંજાળા કરીને જૂની અને નકામી વસ્તુનો નિકાલ કરીને તેને ભંગારમાં આપવાની પરંપરા કે પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. તેને એક પ્રકારનું સફાઇ અભિયાન પણ કહી શકાય છે.

હવે કેન્દ્ર સરકાર પણ આ પ્રકારના એક સફાઇ અભિયાનમાં જોતરાઇ છે. એક મોટા સફાઇ અભિયાનમાં કેન્દ્ર સરકારની ઑફિસોમાંથી 13 લાખ જેટલી ફાઇલોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ફાઇલોના નિકાલથી 8 લાખ સ્ક્વેર ફૂટ જગ્યા ઉપલબ્ધ થઇ છે. આ એટલો પહોળો વિસ્તાર છે કે તેમાં 4 રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ થઇ શકે છે.

આ અંગે જાણકારી આપતા કેન્દ્ર સરકારના મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આ કામગીરીની સમીક્ષા કરતા કહ્યું હતું કે, સરકારે ભંગાર વેચીને 40 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી છે. 15 લાખ જૂની ફાઇલોની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી 13 લાખ ફાઇલોનો નિકાલ થઇ ગયો છે.

બીજી તરફ લોકો દ્વારા 3.81 લાખ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઇ હતી અને તેમાંથી 2.91 લાખ ફરિયાદો પર 30 દિવસમાં કાર્યવાહી કરવામાં આવી છે. સાંસદો દ્વારા 11057 પત્ર લખાયા હતા અને તેમાંથી 8000 પત્રોનો જવાબ આપી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પીએમ મોદીના નિર્દેશ પર પેન્ડિંગ કેસનો નિકાલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ માટેનો પ્રોગ્રેસ રિપોર્ટ એક સપ્તાહમાં તૈયાર થઇ જશે.