Site icon Revoi.in

હવે કોરોના વેક્સિન-ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થવા આવી હોવાની સંભાવના વચ્ચે ત્રીજી લહેરની આગાહી વચ્ચે ભારતમાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે પ્રત્યેક દેશવાસીઓનું વેક્સિનેશન થાય તે આવશ્યક છે ત્યારે હવે વેક્સિનની અછત નિવારવા માટે સરકાર હવે વિદેશી વેક્સિનને પણ ઑપન માર્કેટમાં વેચવા માટે છૂટ આપી રહી છે.

દેશમાં મહત્તમ રસીકરણ થાય તે હેતુસર રસીની કિંમતો ઘટાડી શકાય તે માટે હવે સરકાર તેના પર લાગૂ થતો GST ઓછું કરવા માટે વિચારણા કરી રહી છે. શુક્રવારે GSTની એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કોરોના વેક્સિન પર GST ઘટાડવા મુદ્દે ચર્ચા થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપને જણાવી દઇએ કે હાલમાં વેક્સિન પર 5 ટકા જીએસટી લાગૂ કરવામાં આવે છે. જે હવે ઘટાડીને 0.5 ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત સરકાર વેક્સિનના ઇનપુટ કોસ્ટમાં પણ રાહત આપવાની વિચારણા કરી રહી છે. વેક્સિન ઉપરાંત કોરોના સંક્રમિતો માટે આવશ્યક એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર પણ જીએસટી ઘટાડવામાં આવે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે હાલમાં ભારતમાં ત્રણ રસીને ઉપયોગ માટે મંજૂરી મળી છે. જેમાં ભારતની બે વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન તેમજ રશિયાની સ્પુતનિક-5નો સમાવેશ થાય છે. સ્પુતનિક-5ની કિંમત 948 રૂપિયા છે. જ્યારે કોવિશિલ્ડ માટે 800-900 રૂપિયા તેમજ કોવેક્સિનની કિંમત અંદાજે 1500-2000 જેટલી છે.