Site icon Revoi.in

આ વર્ષે પણ સરકારે ખેડૂતો પાસેથી MSP પર રેકોર્ડ બ્રેક ઘઉંની કરી ખરીદી

Social Share

નવી દિલ્હી: ખેડૂતોને વર્ષ 2020-21 ફળ્યું છે. કારણ કે આ વર્ષે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર ઘઉંની રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. ચાલુ વર્ષે રવિ સીઝન 2020-21 કરતાં પણ વધારે રકમની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે. ગત વર્ષે ઘઉંની સરકારી ખરીદીના બદલામાં સરકારે ખેડૂતોને રૂ.75059.60 કરોડ ચૂકવ્યા હતા. જ્યારે આ વર્ષે 21 મે સુધી 75,514.61 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

હજુ તો ઘણા રાજ્યોમાં ખરીદીની પ્રક્રિયા 15 જૂન સુધી ચાલુ રહેશે. સરકારે પહેલા જ કહ્યું હતું કે, MSPનો અંત આવશે નહીં, તેના પર ખરીદી વધારીને સરકારે તેનું વચન પાળ્યું છે. ગત વર્ષે પણ MSP પર સૌથી વધુ નાણાં ચૂકવવાનો રેકોર્ડ હતો.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ વર્ષે 21 મે સુધી 382.35 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી થઈ છે. ગયા વર્ષના કુલ ખરીદી કરતા માત્ર 7 લાખ મેટ્રિક ટન પાછળ છે. જે આગામી સમયમાં વધી જશે. મતલબ કે આ વખતે ખરીદીનો નવો રેકોર્ડ બનાવવામાં આવશે. ગત વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વખતે અત્યાર સુધીમાં ઘઉંની ખરીદી 17 ટકા વધુ થઈ છે.

આટલા ખેડૂતો થયા લાભાન્વિત

આપને જણાવી દઇએ કે રવી સીઝન 2020-21 દરમિયાન 43,35,972 ખેડૂતોને ઘઉંની એમ.એસ.પી.નો લાભ મળ્યો હતો. જ્યારે આ વર્ષે અત્યારસુધીમાં 39.55 લાખ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી છે. RMS 2019-20માં 35,57,080 ખેડૂતો લાભાન્વિત થયા હતા. આ વર્ષે લાભાન્વિત ખેડૂતોની સંખ્યા વધીને 45 લાખ સુધી જવાની શક્યતા છે.