- ડુંગળીની સતત વધતી કિંમતને કારણે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં
- કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મૂક્યો
- એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વેપારી નહીં કરી શકે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર આ અંગે એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મુકી દીધો છે. જેને પગલે એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વેપારી નહીં કરી શકે. સરકારના આ પગલાંથી ડુંગળીની કિંમત સસ્તી થવાની શક્યતા છે. સરકારનો આ આદેશ 31મી ડિસેમ્બર સુધી જારી રહેશે.
કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર છુટક વ્યાપારીઓ માત્ર 2 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે, તેનાથી વધુ કરશે તો પગલાં લેવામાં આવશે. જ્યારે જથ્થાબંધ વેપારીઓ 25 ટન ડુંગળીનો જ સ્ટોક કરી શકશે. હાલમાં ડુંગળી 75 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. જેને પગલે સામાન્ય નાગરિકો અને ગરીબોના જીવન પર માઠી અસર પડી છે.
સરકારે એક આદેશ જાહેર કરીને કહ્યું છે ડુંગળીના વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને તેના સંગ્રહ પર એક ચોક્કસ લિમિટ મૂકવામાં આવી છે. આ નિર્ણય જ્યારે પણ કોઇ વસ્તુઓના ભાવ વધશે તો તે સંદર્ભે પણ આ જ રીતે પગલાં લેવામાં આવશે. હાલમાં ડુંગળીનો ભાવ ગત વર્ષની તુલનાએ 22.21 ટકા વધી ગયો છે.
નોંધનીય છે કે થોડાક સમય પહેલા ખેડૂતો દ્વારા ત્રણ કાયદાઓનો વિરોધ કરાયો હતો જેમાં એસેન્સિયલ કોમોડિટી એક્ટ 2020નો પણ સમાવેશ થાય છે. જેમાં સરકારે એસેન્સિયલ વસ્તુઓમાં ડુંગળીને બાકાત રાખી હતી જેને પગલે વ્યાપારીઓને તેનો સંગ્રહ કરવાનો છુટ્ટો દોર મળ્યો હતો જેને કારણે પણ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા.
(સંકેત)