Site icon Revoi.in

તો શું LPG સિલિન્ડર પર ફરીથી મળશે સબસિડી? સરકાર કરી રહી છે વિચારણા

Social Share

નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2020માં એલપીજી સિલિન્ડર પર અપાતી સબસિડી બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય સબસિડી માટે એક સમય મર્યાદા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. તેના માટે એક સર્વે કરવામાં આવી રહ્યો છે.

આ માટે અનેક વિકલ્પો પર મંથન કરવામાં આવી રહ્યું છે તેમાંથી એક વિકલ્પ એ છે કે, માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ સબસિડી આપવામાં આવશે. સિલિન્ડર મોંઘો થવાના કારણે મોટી સંખ્યામાં આયજોના લાભાર્થી રીફિલ નથી કરાવી રહ્યા. સરકારે મે 2020માં એલપીજી પર સબસિડી બંધ કરી દીધી હતી.

જોકે, કેટલાક રાજ્યોમાં ફ્રેટ કોસ્ટ્સના રૂપમાં સબસિડી આપવામાં આવી રહી છે. દરેક રાજ્યમાં સબસિડીની રકમ અલગ-અલગ છે, પરંતુ એ 30 રૂપિયાથી ઓછી છે. એક અધિકારીએ કહ્યું કે, એક સર્વે કરવામાં આવી રહ્યો છે. તેનાથી એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, કયા રેટ પર કન્ઝુમર્સ સરળતાથી એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે. સરકાર તેની કિંમતને કાબુમાં રાખવા ઈચ્છે છે.

અધિકારીએ કહ્યું કે, સરકાર કિંમતો પર સતત નજર રાખી રહી છે અને જાણવા મળ્યા મુજબ તેના વપરાશમાં ઘટાડો આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી આર્થિક રીતે સક્ષમ નથી, એટલે માત્ર તેમને જ સબિસિડી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સર્વેના પરિણામો બાદ જ તેના અંગે નિર્ણય લેવાશે. માનવામાં આવી રહ્યું છે કે, માર્ચ 2022 સુધી દેશમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા 30 કરોડથી વધુ હશે.