તુવેર દાળના ભાવને અંકુશમાં રાખવા સરકાર એક્શન મોડમાં, ઇમ્પોર્ટ લાઇસન્સની મુદ્દત લંબાવી
- મોદી સરકારે તુવેર દાળના વધતા ભાવને અંકુશમાં રાખવા લીધો નિર્ણય
- સરકારે તુવેર દાળની આયાત માટે ફાળવેલા લાઇસન્સની મુદ્દત વધારી
- આયાત લાઇસન્સ હવે આગામી 31મી ડિસેમ્બર 2020 સુધી માન્ય રહેશે
નવી દિલ્હી: મોદી સરકાર કોરોના મહામારી વચ્ચે વધી રહેલી મોંઘવારીને અંકુશમાં રાખવા માટે સતત પ્રયતન્શીલ છે. સરકારે હવે તુવેર દાળની વધતી કિંમતને નિયંત્રણમાં રાખવા માટે તુવેર દાળની આયાત માટે ફાળવેલા લાઇસન્સની મુદ્દત વધારી દીધી છે અને આ આયાત લાઇસન્સ હવે આગામી 31મી ડિસેમ્બર 2020 સુધી માન્ય રહેશે. આયાત માટે અપરિવર્તનિય વાણિજ્ય શાખ પત્રની કટ ઓફ ડેટ હવે 1 ડિસેમ્બર રહેશે.
વિદેશ વેપાર નિર્દેશાયલ (ડીજીએફટી)એ પરિપત્રમાં જણાવ્યું છે કે યોગ્ય અને વેરાફાઇડ અરજકર્તા જેમને લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે, તેમણે ઇમ્પોર્ટ કન્સાઇન્ટમેન્ટ 31 ડિસેમ્બરની પહેલા ભારતીય બંદરો પર આવી જાય તેની ખાતરી કરવાની રહેશે. તુવેરની આયાત માટે લાઇસન્સની માન્યતા જે અગાઉ 15 નવેમ્બર, 2020 સુધીની હતી તે હવે મુદ્દત વધારીને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે.
નોંધનીય છે કે, ગત દિવસોમાં મોદી સરકારે કઠોળ-દાળના વધી રહેલા ભાવને અંકુશમાં રાખવાના હેતુસર બિહાર સહિત પાંચ રાજ્યોને રાહત દરે છૂટક વેચાણ માટે પોતાના બફર સ્ટોકમાંથી એક લાખ ટન તુવેર દાળ ખરીદવા માટે રસ દર્શાવ્યો હતો. તે ઉપરાંત સરકારે ખુલ્લા બજારમાં વેચાણ માટે બફર સ્ટોકમાંથી 40,000 ટન તુવેરની નાના જથ્થામાં સપ્લાય કરવાનો પણ નિર્ણય કર્યો છે.
(સંકેત)