Site icon Revoi.in

હવે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી મળી શકે છે રાહત, હવે આવશે નવું પેટ્રોલ E20

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ તેમજ ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે બાઇક્સ અને કારોમાં E20 પેટ્રોલના ઉપયોગને મંજૂરી મળી ચૂકી છે. E20નો અર્થ એ થયો કે એવું પેટ્રોલ કે જેમાં 20 ટકા ઇથેનોલ ભેળવેલું હશે. રોડ અને પરિવહન મંત્રાલયે E20ના ઉપયોગ માટે નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, E20 એક એવું પેટ્રોલ છે, જે વાતાવરણ માટે પણ સારું છે. કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઇડ તેમજ હાઇડ્રોકાર્બન સામાન્ય પેટ્રોલની સરખામણીએ ખૂબ ઓછા નીકળે છે.  આ ઇંધણ માટે કાર અને બાઇક મેન્યૂફેક્ચર્સને અલગથી જણાવવાનું રહેશે કે ક્યું વાહન E20 માટે યોગ્ય છે, આ માટે વાહનમાં એક સ્ટીકર પણ લગાવવાનું રહેશે.

વર્ષ 2014માં પેટ્રોલમાં 1 ટકાથી પણ ઓછું ઇથેનોલ બ્લેન્ડ કરાતું હતું એટલે કે ભેળવવામાં આવતું હતું. ત્યારબાદ તેને વધારીને 8.5 ટકા કરાયું. હવે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના અનેક ફાયદા છે.

ઇથેનોલ ભેળવવાના ફાયદા વિશે વાત કરીએ તો પહેલા તે પેટ્રોલિયમ પર ભારતની નિર્ભરતા ઘણી ઓછી થવા લાગશે. હાલ ભારત પોતાની જરૂરિયાતનો 83 ટકા ઓઇલનો જથ્થો આયાત કરે છે.

કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન થશે તો વાતાવરણને પણ નુકસાન ઓછું થશે. ઇથેનોલનો ઉપયોગ વધવાથી ખેડૂતોને પણ ફાયદો થશે, તેમની આવક વધશે. કારણ કે ઇથેનોલ શેરડી, મકાઇ તેમજ કેટલાક પાકમાંથી બનાવવામાં આવે છે.

ખાંડની મિલોને કમાણીનો એક નવો સ્ત્રો મળશે જેના દ્વારા તેઓ કૃષિની બાકી રકમ ચૂકવી શકશે. ઇથેનોલ ખૂબ સસ્તુ છે આથી ગ્રાહકોને પણ પેટ્રોલના આગ ઝરતા ભાવોમાં થોડી રાહત મળવાની આશા છે.

અત્રે જણાવવાનું કે સરકારે 2030 સુધીમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ હવે તેને પાંચ વર્ષ પહેલા એટલે કે 2025માં જ મેળવી લેવાની યોજના છે. ગત વર્ષ સરકારે 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય રાખ્યું હતું. હાલ ઈથેનોલ સપ્લાય વર્ષમાં, જે ઓક્ટોબરમાં શરૂ થાય છે, પેટ્રોલમાં 8.5 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ થાય છે. જેને 2022 સુધીમાં વધારીને 10 ટકા કરાશે.

સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ 2025 સુધીમાં 20 ટકા ઈથેનોલ બ્લેન્ડિંગ માટે 1200 કરોડ આલ્કોહોલ/ઈથેનોલની જરૂર પડશે. 700 કરોડ લીટર ઈથેનોલ બનાવવામાં શુગર ઈન્ડસ્ટ્રીએ 60 લાખ ટન સરપ્લસ ખાંડનો ઉપયોગ કરવો પડશે.

(સંકેત)