- કોરોના સંકટ વચ્ચે પણ સરકારનું ટેક્સ કલેક્શન વધશે
- સરકારનું ટેક્સ કલેક્શન અપેક્ષા કરતાં પણ વધશે
- સરકારનો ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માટે 22.2 લાખ કરોડ રૂપિયાના ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ
નવી દિલ્હી: સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લક્ષ્ય કરતાં વધારે ટેક્સ કલેક્શન હાંસલ કરી શકે છે. આનું કારણ એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં સરકારે 5.6 લાખ કરોડ રૂપિયાનું ગ્રોસ ટેક્સ કલેક્શન કર્યું છે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માટે 22.2 લાખ કરોડ રૂપિયાના ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ મૂક્યો છે.
પરોક્ષ વેરાની વસૂલાત વધારે રહેશે. સરકારે ચાલુ વર્ષે ટેક્સ કલેક્શનમાં 9.5 ટકાની વૃદ્વિનું લક્ષ્ય રાખ્યું છે. નાણાંકીય વર્ષ 2021માં સરકારે 20.2 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન કર્યું હતું.
એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 5.6 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ ક્લેક્શન થયુ છે, તે વર્ષ 2019-20ના જૂન ક્વાર્ટરની તુલનાએ 39 ટકા વધારે છે, જે કોરોના મહામારી પૂર્વેનું વર્ષ હતુ. એટલે કે ટેક્સ ક્લેક્શન કોરોનાની પહેલાના લેવલથી પણ વધારે થયુ છે. રેવન્યૂ વિભાગે હજી પણ સત્તાવાર ધોરણે ક્લેક્શનના આંકડા જારી કર્યા નથી. નાણાં મંત્રાલયે લોકસભામાં 19 જુલાઇએ કહ્યુ હતુ કે પ્રથમ ક્વાર્ટરમાં 5.6 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ ક્લેક્શન થયુ હતુ.
પ્રથમ ક્વાર્ટરમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સટાઇલ ડ્યૂટીથી લગભગ 94,181 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ઇકરાના અધિકારીએ કહ્યુ કે, કોરોના મહામારીની પહેલી લહેરની તુલનાએ આ વખતે જૂન ક્વાર્ટરમાં ટેક્સ ક્લેક્શનમાં આવેલી વૃદ્ધિથી અમને અપેક્ષા છે કે, ચાલુ નાણાંકીય વર્ષે ગ્રોસ ટેક્સ રેવન્યૂ ટાર્ગેટથી વધારે રહી શકે છે.