Site icon Revoi.in

આગામી બજેટમાં સરકાર PSU બેંકોમાં મૂડી ઠાલવે તેવી શક્યતા નહીવત્

Social Share

નવી દિલ્હી: હવે આગામી બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં વધુ મૂડી ઠાલવવાની આવશ્યકતા નહીં રહે. તેનું કારણ એ છે કે આ વર્ષે કોરોના રોગચાળો છતાં સરકારને પેટ્રોલ-ડીઝલથી ભરપૂર કમાણી થઇ છે તેમજ સરકારી બેંકોની સ્થિતિમાં પણ સુધારો થયો છે અને NPAનું પ્રમાણ ઘટ્યું છે.

જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોનમાં ઘટાડો થયો છે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો વર્ષ 2022-23ના બજેટમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં નવા મૂડી રોકાણને લઇને કોઇ જાહેરાત કરાય તેવી સંભાવના નહીવત્ છે.

સરકારે બેંકોને વધુ ને વધુ રિકવરી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે જેથી તેમની નાણાકીય સ્થિતિ સુધરશે.

આપને જણાવી દઇએ કે, આગામી 1 ફેબ્રુઆરી, 2022ના રોજ મોદી 2.0 સરકારનું ચોથું બજેટ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરશે. સૂત્રો અનુસાર બેંકોને તેમના સંસાધનોમાં વધારો કરવા માટે બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની સાથે તેમની નોન-કોર એસેટ્સ વેચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે આ બેંકોના પુન:મૂડીકરણ માટે રૂ. 20,000 કરોડની ફાળવણી કરી હતી. 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકારી બેંકોનો ચોખ્ખો નફો વધીને રૂ. 14,012 કરોડ થયો હતો, જ્યારે બીજા ક્વાર્ટરમાં આ આંકડો વધીને રૂ. 17,132 કરોડ થયો હતો.

ડેટા અનુસાર 31 માર્ચ 2019ના રોજ જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએ 7,39,541 કરોડ રૂપિયા હતી. આ આંકડો 31મી માર્ચ, 2020ના રોજ ઘટીને 6,78,317 કરોડ અને 31મી માર્ચ, 2021 સુધીમાં ઘટીને 6,16,616 કરોડ થઈ ગયો છે.