- આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્ર સરકારે કરી મહત્વની જાહેરાત
- ઑક્ટોબર પછી નોકરી જોઇન કરનારના ઇપીએફમાં સરકાર 12 ટકાનું યોગદાન આપશે
- સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં 12 ટકાનો વધારો થશે
નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકારે ઑક્ટોબર પછી કારકિર્દીની પ્રથમ નોકરી શરૂ કરનારા લોકો માટે મહત્વની જાહેરાત કરી છે. મોદી સરકારે તેમના ઇપીએફમાં 12 ટકાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં 12 ટકાનો વધારો એટલે કે ફાયદો થશે. સાથોસાથ કોરોના કાળમાં નોકરી ગુમાવી ચુકેલા લોકોને પણ નવી નોકરી જોઇન કરવા પર આ લાભ મળવાપાત્ર થશે.
શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરુ કરાયેલી આ યોજનાનો લાભ એ કર્મચારીઓને મલશે જેમણે 1 ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી નોકરી પર રાખવામાં આવશે. તેમનો ફુલ EPFનો 24 ટકાનો ફાળો સરકાર આપશે. જે બે વર્ષ સુધી આપવામાં આવશે. એમ્પ્લોયર અને એમ્પ્લોઇ બંનેનો ફાળો એવી કંપનીઓને જ મળશે જ્યાં હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. જે કંપનીઓમાં હજારથી ઓછા કર્મચારીઓ છે તેઓને નવા કર્મચારીઓના હિસ્સાના 12 ટકા EPFનો ફાળો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ રીતે કર્મચારીના હિસ્સાનો EPF કપાશે નહીં અને તેઓ વધારે પગાર મેળવી શકશે.
આ યોજનાનો લાભ એવા નોકરીયાતોને પણ મળશે જેમની નોકરી કોરોના મહામારી દરમિયાન 1 માર્ચ 2020થી 30 સપ્ટેમ્બર 2020 વચ્ચે છૂટી ગઇ હતી અને ફરીથી 1 ઓક્ટોબર 2020થી 30 ઓક્ટોબર, 30 જૂન 2021 વચ્ચે નોકરી મેળવી લીધી હોય. આવા નોકરીયાતોના EPFનો ફાળો પણ સરકાર ચૂકવશે.
આ યોજનાનો લાભ એવી સંસ્થાઓને પણ અપાશે જેમને ત્યાં 50 કર્મચારીઓ છે. આવી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 2 નવા કર્મચારીઓને નોકરી આપેલી હોવી જોઇએ અને જ્યાં 50થી વધુ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે ત્યાં EPFનો લાભ લેવા માટે ઓછામાં ઓછા પાંચ નવા કર્મચારીઓને નોકરી આપવી પડશે.
(સંકેત)