Site icon Revoi.in

બેડ લોનનો દર 11.50% એ પહોંચશે, ભારત NPAમાં વિશ્વમાં ત્રીજા ક્રમાંકે હશે

Social Share

નવી દિલ્હી:  કોરોના વાયરસની મહામારીને કારણે અનેક લોન્સ દબાણ હેઠળ આવેલી છે ત્યારે આ લોન્સના વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગને કારણે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સનો આંક માર્ચ સુધીમાં વધી 11 થી 11.50 ટકા પર પહોંચવાનો અંદાજ છે.

કેર રેટિંગ્સે તેના એક રિપોર્ટમાં આગાહી કરી છે કે હાલની લોન્સમાંથી 4 થી 5 ટકા લોન્સ તાણ હેઠળ આવી શકે છે. આ લોન્સ રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે.

વર્તમાન નાણાંકીય વર્ષ વિશે વાત કરીએ તો પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગ્રોસ NPAનો આંક 8.20 ટકા રહ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 9.50 ટકા જોવા મળ્યો હતો. રાઇટ ઓફ્સ અને રિકવરીમાં વધારાને કારણે ગ્રોસ NPAમાં આ ગાળામાં ઘટાડો નોંધાયો હતો.

સ્પેશ્યલ મેન્શન એકાઉન્ટસ – 1 (એસએમએ 1) તથા એસએમએ ૨ શ્રેણીની લોન્સ નબળી પડવાની રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. આ લોન્સ અગાઉથી જ મોરેટોરિઅમ હેઠળ રહી હતી અને રિસ્ટ્રકચરિંગ માટે પાત્ર નથી. નીચા રેટિંગ સાથેની કોર્પોરેટ તથા પરસનલ લોન્સ રિસ્ટ્રકચરિંગ માટે પાત્ર નથી.

લોનના રિકાસ્ટ બાદનું ચિત્ર જોઇએ તો વિશ્વના મોટા અર્થંતંત્રોમાં રશિયા અને ગ્રીસ બાદ ભારત સૌથી વધુ બેડ લોન્સ ધરાવતો ત્રીજો મોટો દેશ બની રહેશે. રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. ઊંચી બેડ લોન્સનું પ્રમાણ ધરાવતા નાના દેશોમાં યુક્રેન, સાઇપ્રસ, ધાના અને કેન્યા સમાવિષ્ટ છે.

નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2018ના ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની બેંકિંગ વ્યવસ્થામાં બેડ લોન્સનો આંક રૂપિયા 10.20 લાખ કરોડ જેટલો ઊંચો હતો જે તબક્કાવાર ઘટી નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8.40 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.

(સંકેત)