કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના સંકેત, જુલાઇમાં GST કલેક્શન વધીને રૂ.1.16 લાખ કરોડ
- ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના આશંકા વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના સંકેત
- જુલાઇ મહિના દરમિયાન જીએસટી કલેક્શન વધીને રૂ. 1.16 લાખ કરોડ રૂપિયા થયું
- તેમાં સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા રહી હતી
નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને થયેલી અસર છતાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન જુલાઇમાં 33 ટકા વધીને 1.16 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. નાણા મંત્રાલયે રવિવારે આ અંગે જાણકારી આપી હતી. જીએસટીના આંકડા પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, જુલાઇ મહિનામાં અર્થતંત્રમાં નવસંચાર થયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, જુલાઇ 2020માં GST આવક 87,422 કરોડ રૂપિયા હતી. ગત મહિને એટલે કે જૂનમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 82,849 કરોડ રૂપિયા નોંધાયું હતું.
જુલાઇમાં કુલ GST આવક 1.16 લાખ કરોડ રૂપિયા રહી હતી. તેમાં સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા, આઇજીએસટી 57,864 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી 27,900 કરોડ રૂપિયા આયાતવેરા પેટે મળ્યા હતા. તે ઉપરાંત ઉપકર એટલે કે સેસ દ્વારા 7,790 કરોડ રૂપિયા મળ્યા હતા.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સળંગ આઠ મહિના સુધી જીએસટી વેરા વસૂલાત એક લાખ કરોડ ઉપર રહી હતી. જો કે કોરોનાના લીધે જુનમાં તે ઘટીને એક લાખ કરોડથી નીચે ગઈ હતી. મે 2021 દરમિયાન કોરોનાના લીધે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણ કે આંશિક લોકડાઉન નાખવામાં આવ્યું હતું. પરિસ્થિતિ સુધરવાની સાથે આ લોકડાઉનમાં રાહત આપવામાં આવતા જીએસટી કર વસૂલાતનો આંકડો ફરીથી એક લાખ કરોડ રૂપિયાને પાર નીકળી ગયો. આ પુરાવો છે કે અર્થતંત્રમાં નવસંચાર થઈ રહ્યો છે.
નોંધનીય છે કે, જૂનમાં આર્થિક પ્રવૃત્તિઓ નવેસરથી શરૂ થઇ રહી છે. તેના લીધે આગામી મહિનાઓમાં વધુ સારું જીએસટી કલેક્શન જોવા મળશે. અનેક રાજ્યોમાં ફરીથી અપાયેલી છૂટછાટને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓને ફરીથી વેગ મળ્યો છે.