બિઝનેસમાં ફરી ગુજરાતીઓએ બાજી મારી, લોજિસ્ટિક્સ ચાર્ટ 2021માં ગુજરાત પ્રથમ ક્રમાંકે, જાણો બીજા રાજ્યોની યાદી
- વેપારમાં ગુજરાતીઓને તોલે કોઇ ના આવે
- લોજિસ્ટિક્સ ચાર્ટ 2021માં ગુજરાત પ્રથમ ક્રમાંકે
- 21 માપદંડોને આધારે રિપોર્ટ તૈયાર થયો
નવી દિલ્હી: એમ કહેવાય છે કે, વેપાર તો ગુજરાતીઓના લોહીમાં જ રહેલો છે અને ગુજરાતીઓ જેવો વેપાર કોઇ કરી ના જાણે. હવે આ વાત ફરી એકવાર સાબિત થઇ છે. આ વખતે લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે બાજી મારી છે. ગુજરાતે આ યાદીમાં સર્વોચ્ચ સ્થાન જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી છે.
આપને જણાવી દઇએ કે આ વર્ષે મે- ઓગસ્ટ મહિના દરમિયાન લોજિસ્ટિક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કોરોના રોગચાળા દરમિયાન લોકડાઉન અને કર્ફ્યૂ જેવા પ્રતિબંધોને કારણે ઉદ્યોગ-ધંધાઓની ગતિને બ્રેક વાગી હતી પરંતુ હવે અનલોક દરમિયાન આર્થિક ગતિવિધિઓ ફરી ધમધમવા લાગી છે. હવે વેપાર ઉદ્યોગમાં ગુજરાતે ફરી એકવાર પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.
આ સર્વે 21 માપદંડોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો હોય છે. જેમાં ગુજરાત ફરી પ્રથમ ક્રમાંકે આવ્યું છે. વાણિજ્ય મંત્રાલયે તેના અહેવાલમાં આ જાણકારી આપી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે લોજિસ્ટિક્સ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ 2021નો અહેવાલ રજૂ કર્યો હતો. 21 રાજ્યોની યાદીમાં પ્રથમ ક્રમાંકે ગુજરાત બાદ અનુક્રમે હરિયાણા, પંજાબ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર છે.
ત્યારબાદ આ યાદીમાં પશ્વિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, બિહાર, હિમાચલ પ્રદેશ અને આસામ છે. આપને જણાવી દઇએ કે પ્રથમ લોજિસ્ટિક્સ રિપોર્ટ વર્ષ 2018માં જાહેર કરવામાં આવ્યો હતો. જો કે ગત વર્ષે કોવિડ રોગચાળાને કારણે આ યાદી જાહેર કરવામાં આવી ન હતી.
નોંધનીય છે કે, આ યાદીમાં ઉત્તરપ્રદેશમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યું છે અને તેનું પ્રદર્શન પણ સુધરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ 13માં ક્રમાંકેથી કુદકો મારીને સીધુ જ 6 સ્થાન પર આવી ગયું છે. આ ઇન્ડેક્સનો ઉદ્દેશ્ય રાજ્યોમાં લોજિસ્ટિક્સ સંબંધિત દેખાવોમાં સુધાર લાવવાનો છે.