- દેશના 6 કરોડ પગારદારો માટે ખુશીના સમાચાર
- હવે પગારદારોને તેના PF પર વધારે વ્યાજ મળી શકે છે
- EPFOની કર્મચારીઓના PFનો એક હિસ્સો InvITમાં રોકાણ કરવાની યોજના
નવી દિલ્હી: દેશના 6 કરોડ પગારદાર માટે ખુશીના સમાચાર છે. 6 કરોડ પગારદારોને હવે પીએફ પર વધુ વ્યાજ મળી શકે છે. PFની સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર EPFO કર્મચારીઓના PFનો એક હિસ્સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvIT)માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે.
6 કરોડ પીએફ ધારકોના રોકાણના અવકાશમાં વધારો થવાની અસર તેઓને મળતા વ્યાજદરો પર જોવા મળશે. બીજી તરફ તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને વેગ મળશે અને EPFO માટે પણ રોકાણના અવકાશનો માર્ગ મોકળો બનશે.
હાલ EPFO પીએફ ધારકોના પૈસા ફક્ત બોન્ડ્સ અને સરકારી સિક્યોરિટીઝમાં જ રોકે છે. ઇન્વિટીમાં રોકાણ કર્યા બાદ રોકાણકારોને બીજો વિકલ્પ મળશે. InvIT મ્યુચ્યુઅલ ફંડના રોકાણની જેમ કાર્ય કરે છે. તેથી એવું માનવામાં આવે છે કે 6 કરોડ ગ્રાહકો લાભાન્વિત થશે.
InvITએ એક રોકાણનો વિકલ્પ છે જે નિયામક સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નિયંત્રિત કરવામાં આવે છે. InvITમાં રોકાણકારો નાના પાયે રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકે છે. આ રોકાણના વિકલ્પને ધ્યાનમાં લીધા બાદ રોકાણકારોનાં નાણાંનો ઉપયોગ અન્ય ભંડોળમાં કરવામાં આવશે અને તેનો પ્રત્યક્ષ લાભ રોકાણકારોને મળશે.
નાણાકીય વર્ષ 2020-21 માટે પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ ધારકો માટે 8.5 ટકાના વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે. અપેક્ષા છે કે આ રકમ આવતા મહિનાના અંત સુધીમાં ખાતાધારકોના ખાતામાં જમા થઈ જશે.