Site icon Revoi.in

કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

Social Share

નવી દિલ્હી: હોળી-ધૂળેટીનું પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક રંગોની છોળ સાથે ઉજવાતું હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો હતો.

હોળી-ધૂળેટીના તહેવાર પૂર્વે જ સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધતા તેને અંકુશમાં લેવા માટે હોળી ધૂળેટીની ઉજવણી પર અનેક જાતના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા. આ વખતે હોળી-ધૂળેટી પર લદાયેલા આ પ્રતિબંધોને કારણે ખાસ કરીને પિચકારી-રંગનો ધંધો કરતા વેપારીઓને જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ અનુસાર, અલગ અલગ રાજ્યોના વેપારી સંગઠનોના નેતાઓ સાથે થયેલી વાતચીત પરથી કહી શકાય કે દર વર્ષે હોળી-ધૂળેટી નિમિત્તે પિચકારીઓ, રંગ, ખાવા પીવાની બીજી વસ્તુઓનો 50,000 કરોડ રૂપિયાનો વેપાર સમગ્ર દેશમાં થતો હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે આ વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકા લાગ્યો છે. વેપારીઓ પાસે હજારો-કરોડો રૂપિયાનો માલ પડી રહ્યો છે.

નોંધનીય છે કે, દર વર્ષે હોળી-ધૂળેટીના પર્વ પર 10,000 કરોડ રૂપિયાના સામાનની ચીનથી આયાત કરાતી હોય છે, પરંતુ આ વખતે ચીનથી એકપણ રૂપિયાની આયાત નથી થઇ, તેને કારણે ચીનને પણ આર્થિક રીતે મોટો ઝટકો લાગ્યો છે.

(સંકેત)