- કોરોના મહામારી દરમિયાન હોમ લોન માર્કેટ વધ્યું
- હોમ લોન માર્કેટ કુલ જીડીપીના 11 ટકાએ પહોંચ્યું
- દેશની જીડીપીના માત્ર 1 ટકા જ હતુ તે હાલ વધીને લગભગ 11 ટકાએ પહોંચી ગયું
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હોમ લોન લેવા તરફ વળ્યા છે. આ સમયમાં મોટી માત્રામાં લોકોએ પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં હોમ લોન માર્કેટ વાર્ષિક લગભગ 30 ટકા વધ્યું છે તેવું નેશનલ હાઉસિંગ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાહુલ ભાવેએ કહ્યું હતું. આ અનુસાર વર્ષ 1990માં કુલ હોમ લોન માર્કેટ દેશની જીડીપીના માત્ર 1 ટકા જ હતુ તે હાલ વધીને લગભગ 11 ટકાએ પહોંચી ગયું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર બેંકો તેમજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ અંદાજે 27 લાખ કરોડ રૂપિયાની હોમ લોનની ફાળવણી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2019-20ની સરખામણીએ ચાલુ વર્ષે 31 માર્ચના રોજ સમાપ્ત નાણાંકીય વર્ષ 2020-21માં હોમ લોન વિતરણ 185 ટકા વધ્યું છે. તેમાંથી 65 ટકા લોન બેંકોએ બાકીની હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આપી છે.
બેંગ્લોર, મુંબઇ, દિલ્હી-એનસીઆર, ચેન્નઇ અને પુનામાં ઔદ્યોગિક ઉપયોગ અને વેરહાઉસ માટે પ્રોપર્ટી ભાડે લેવાનુ પ્રમાણ 31 ટકા વધ્યુ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કોલિયરના મતે તેનું મુખ્ય કારણ દેશમાં ઇ-કોમર્સ ઝડપથી વધી રહ્યુ છે.
જાન્યુઆરી- જૂન દરમિયાન 1.01 કરોડ વર્ગ ફૂટ ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસિંગ સ્પેસ લીઝ પર આપવામાં આવી છે.