- બિટકોઇનના રોકાણકારો માટે નિયમો વધુ સખત થશે
- બિટકોઇનની વાત છૂપાવશો તો થશે દંડ
- બિટકોઇનની વાત છૂપાવશો તો 20 કરોડ રૂપિયાનો દંડ થઇ શકે
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર ક્રિપ્ટોકરન્સીને લઇને બિલ રજૂ કરી શકે છે ત્યારે મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર વોચ રાખવાની કમાન માર્કેટ નિયામકને સોંપે તેવી શક્યતા છે. હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઇને કોઇ કાયદા નથી. ક્રિપ્ટોકરન્સીઝને ફાઇનાન્શિયલ એસેટ્સ તરીકે ક્લાસીફાઇ કરવામાં આવે તેવી સંભાવના છે.
બીજી તરફ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો માટે નિયમો વધુ સખત થઇ શકે છે. હવે તેઓને પોતાની એસેટ્સ જાહેર કરવા તેમજ નવા નિયમોના પાલન માટે સમયમર્યાદા આપવામાં આવી શકે છે. એક સૂત્ર અનુસાર, બિલમાં ક્રિપ્ટોકરન્સીઝને બદલે ક્રિપ્ટોએસેટ્સનો યૂઝ કરવામાં આવી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાને 20 કરોડ રૂપિયાનો દંડ કે દોઢ વર્ષની સજા થઇ શકે છે. તે ઉપરાંત રોકાણકારોના હિતોની રક્ષા માટે ક્રિપ્ટોમાં રોકાણની સમયમર્યાદા પણ નક્કી કરે તેવી સંભાવના છે.
આપને જણાવી દઇએ કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગત સપ્તાહે કહ્યું હતું કે, સરકારે અગાઉના બિલ પર ફરીથી કામ કર્યું છે. અગાઉના બિલમાં બધી પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીઝ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં બિટકોઈનને કરન્સીના રૂપમાં માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી.
નોંધનીય છે કે, ક્રિપ્ટો એનાલિસ ફર્મ ચેઈનાલિસીસના ઓક્ટોબરમાં આવેલા એક રિપોર્ટ મુજબ, જૂન 2021 સુધીમાં ગત 1 વર્ષમાં દેશમાં ક્રિપ્ટો માર્કેટ 641 ટકા વધ્યું છે. સરકાર હવે ડિજિટલ કરન્સીઝથી થતી કમાણી પર ટેક્સ લગાવવાનું વિચારી રહી છે.