- RBIએ તમામ NBFCs અને ધિરાણકારોને આપ્યો આદેશ
- 5 નવેમ્બર સુધી વ્યાજમુક્તિની સ્કીમનો કરો અમલ: RBI
- 5 નવેમ્બર સુધીમાં લોનધારકોના ખાતામાં રકમ જમા કરાવવા આદેશ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ RBIએ નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) સહિત તમામ ધિરાણકારોને રૂ.2 કરોડ સુધીની લોન પર છ મહિનાના મોરેટોરિયમ ગાળામાં વ્યાજમુક્તિની સ્કીમનો અમલ 5 નવેમ્બર સુધીમાં નિશ્વિત કરવા જણાવ્યું છે. આપને જણાવી દઇએ કે સરકારે શુક્રવારે ચોક્કસ લોન એકાઉન્ટ્સમાં ચક્રવૃદ્વિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની ચૂકવણી કરવાની જાહેરાત કરી હતી.
Scheme for grant of ex-gratia payment of difference between compound interest and simple interest for six months to borrowers in specified loan accounts (1.3.2020 to 31.8.2020)https://t.co/J8nKfOwG8c
— ReserveBankOfIndia (@RBI) October 27, 2020
પ્રાપ્ત વિગતો અનુસાર, RBIએ NBFCs અને બેન્કોને લોનધારકોના ખાતામાં વ્યાજના તફાવતની રકમ જમા કરવાની પ્રક્રિયા 5 નવેમ્બર સુધીમાં પૂરી કરવા જણાવ્યું છે. સૂચિત સ્કીમમાં હાઉસિંગ લોન, એજ્યુકેશન લોન, ક્રેડિટ કાર્ડના લેણાં, ઓટો લોન્સ, MSME લોન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અને કમ્ઝમ્પશન લોનને આવરી લેવામાં આવી છે.
આ સ્કીમ અંતર્ગત જે તે ધિરાણ સંસ્થાએ 1 માર્ચ, 2020 થી 31 ઑગસ્ટ, 2020ના સમયગાળામાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્વિ વ્યાજ વચ્ચેના તફાવતની રકમની ચૂકવણી કરવાની રહેશે. RBIએ નોટિફિકેશન બહાર પાડીને તમામ ધિરાણ સંસ્થાઓને સ્કીમની જોગવાઇનું પાલન કરવા અને નિર્ધારિત સમયમાં જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ટવીટ કરી હતી કે આરબીઆઇએ તમામ ધિરાણ સંસ્થાઓને સ્કીમની જોગવાઇ પ્રમાણે ચોક્કસ લોન એકાઉન્ટ્સમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્વિ વ્યાજ વચ્ચના તફાવતની રકમ જમા કરવા માટે પગલાં લેવા નિર્દેશ કર્યો છે.
(સંકેત)