Site icon Revoi.in

ફેબ્રુઆરીમાં ઇંધણ તેમજ ખાદ્ય વસ્તુઓ થઇ મોંઘી: રિટેલ ફુગાવો વધીને 5.03%

Social Share

નવી દિલ્હી: એક તરફ દેશમાં ઇંધણના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે બીજી તરફ ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ સતત વધવાને પગલે સામાન્ય માનવી માટે જીવનનિર્વાહ મુશ્કેલ બનતું જાય છે. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી, 2021માં રિટેલ ફુગાવો વધીને 5.03 ટકા થઇ ગયો છે. જાન્યુઆરી, 2021માં રિટેલ ફુગાવો 4.06 ટકા રહ્યો હતો.

ફેબ્રુઆરીમાં ખાસ કરીને ઇંધણ તેમજ ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધવાને કારણે ફુગાવો વધ્યો છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ વધવાને કારણે ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ વધવા એ સ્વાભાવિક પ્રક્રિયા છે કારણ કે ઇંધણના ભાવ વધવાથી ખાદ્યાન્ન વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફેબ્રુઆરી, 2021માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 1.96 ટકા વધીને 3.87 ટકા નોંધવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં મળેલી RBIની મોનેટરી કમિટીની બેઠકમાં પણ વધતા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને RBIએ વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. હવે જ્યારે ફેબ્રુઆરી, 2021માં પણ ફુગાવો વધારે રહ્યો છે ત્યારે RBIની આગામી નાણાકીય નીતિની સમીક્ષામાં પણ વ્યાજદરમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીવત્ છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇની ગત નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન અંદાજ મૂકવામાં આવ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા કવાર્ટરમાં ફુગાવો 5.2 ટકા રહેશે. આરબીઆઇ વ્યાજ દર નકકી વખતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંતા દાસના નેતૃત્ત્વવાળી મોનેટરી પોલિસીએ અંદાજ વ્યક્ત કર્યો હતો કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી 10.5 ટકા રહેશે.

આ દરમિયાન આજે સ્ટેટિસ્કિસ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2021માં આઇઆઇપી(ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોટેકશન) આધારિત ઉત્પાદનમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે.

(સંકેત)