- આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરી
- ફરિયાદ નોંધાવવા માટે 3 ઇમેઇલ આઇડી જાહેર કર્યા
- આવકવેરા વિભાગે 32 લાખ કરદાતાઓને 45 હજાર 896 કરોડથી વધુના રિફંડ જારી કર્યા
નવી દિલ્હી: આવકવેરા વિભાગે કરદાતાઓ માટે મહત્વની જાહેરાત કરી છે. આવકવેરા વિભાગે ફેસલેસ અને ઇ-એસેસમેન્ટ સ્કીમ હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે ત્રણ સત્તાવાર ઇમેઇ આઇડી સૂચિત કર્યા છે. ઇ-એસેસમેન્ટ સ્કીમ હેઠળ કરદાતા અને ટેક્સ ઑફિસર વચ્ચે કોઇ રૂબરૂ સંપર્ક થતો નથી.
ટ્વિટર પેજ પર આવકવેરા વિભાગે કહ્યું છે કે, કરદાતાઓના ચાર્ટર અનુસાર કરદાતા સેવાઓમાં વધુ સુધારો કરવાના હેતુસર આવકવેરા વિભાગે પેન્ડિંગ કેસોના સંદર્ભમાં ફરિયાદો દાખલ કરવા માટે એક સમર્પિત ફેસલેસ યોજના શરૂ કરી છે. આ અંગે ઇ-મેઇલ આઇડી બનાવવામાં આવ્યા છે. આ હેતુ માટે બનાવાયેલા ત્રણ અલગ અલગ મેઇલ આઇડી પર ફરિયાદ દાખલ કરી શકાય છે.
ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમ હેઠળ કરદાતાને આવકવેરા સંબંધિત કામો માટે વિભાગની ઓફિસની મુલાકાત લેવાની અથવા વિભાગના કોઈ અધિકારીને મળવાની જરૂર નથી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક-આધારિત સિસ્ટમ આ કાર્ય પૂર્ણ કરશે. આ યોજના કેન્દ્ર સરકારે 2019 માં શરૂ કરી હતી.
CBDTએ અન્ય એક ટ્વિટમાં કહ્યું કે આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 2 ઓગસ્ટની વચ્ચે 21.32 લાખ કરદાતાઓને 45 હજાર 896 કરોડથી વધુના રિફંડ જારી કર્યા છે. વિભાગે 20 લાખ 12 હજાર 802 વ્યક્તિગત કેસોમાં 13 હજાર 694 કરોડનું રિફંડ જારી કર્યું છે.