- પ્રવર્તમાન વર્ષના જૂન માસમાં દેશનું ચાલુ ખાતુ સરપ્લસમાં
- જૂન માસમાં ચાલુ ખાતાનું સરપ્લસ જીડીપીના 3.9 ટકા થઇ ગયું
- કોરોનાની મહામારી-મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટમાં ઘટાડો સરપ્લસ માટે જવાબદાર: RBI
અમદાવાદ: પ્રવર્તમાન વર્ષના જૂન માસમાં દેશનું ચાલુ ખાતાનું સરપ્લસ 19.8 અબજ ડોલર એટલે કે જીડીપના 3.9 ટકા થઇ ગયું છે. માર્ચ દરમિયાન ચાલુ ખાતાનું સરપ્લસ 0.6 અબજ ડોલર અથવા તો જીડીપીના 0.1 ટકા જેટલું હતું. જો કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન ચાલુ ખાતાની ખાદ્ય 15 અબજ ડોલર એટલે કે જીડીપીના 2.1 ટકા હતું. બેંકે આ પાછળનું કારણ કોરોના વાયરસની મહામારી અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટમાં ઘટાડો જણાવ્યું હતું.
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ચાલુ ખાતામાં દર વર્ષને આધારે નિકાસની સાપેક્ષમાં વ્યાપારિક આયાતમાં ઘટાડાને કારણે વેપાર ખાદ્યમાં 10 ડોલરનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે સતત બે ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતામાં સરપ્લસ જોવા મળ્યું હોય.
નોંધનીય છે કે વિદેશમા કાર્યરત ભારતીયોએ પ્રાઇવેટ ટ્રાન્સફર રીસિપ્ટ દ્વારા 18.2 અબજ ડોલર મોકલ્યા છે જેમાં 1 વર્ષની સરખામણીએ 8.7 ટકાનો ઘટાડો નોંધાયો છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું. તે ઉપરાંત નેટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ 0.6 અબજ ડોલર નોંધાયું છે જે વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 4.8 અબજ ડોલર હતું.
(સંકેત)