નવી દિલ્હી: ભારતીય કોર્પોરેટ સેક્ટર અત્યારે ઋણ બોજ ઘટાડીને બેલેન્સ સીટ મજબૂત કરવા તરફ પ્રયાસરત છે. વર્ષ 2020-21માં ઇન્ડિયાન ઇંકનો ડેટ-ઇક્વિટી રેશિયો ઘટીને 6 વર્ષના સૌથી નીચા 0.59 ટકાના સ્તરે આવી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાંકીય વર્ષ 2021માં લિસ્ટેડ કંપનીઓનો ડેટ-ઇક્વિટી રેશિયો 0.73 ટકાથી ઘટીને 0.59 ટકાના સ્તરે આવી ગયો છે. આનું કારણ ગત વર્ષે ઇન્ડિયા ઇન્કના ઋણ બોજમાં વાર્ષિક ધોરણે 6 ટકાનો ઘટાડો છે. ડેટ-ઇક્વિટી રેશિયોમાં ઘટાડાથી કંપનીઓને વ્યાજ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે અને છેવટે તેઓ વધુ નફો કરી શકશે.
નાણાંકીય વર્ષ 2011માં કોર્પોરેટ સેક્ટરનું દેવુ માત્ર રૂ. 6.3 લાખ કરોડ હતુ જે ઝડપથી વધીને નાણાંકીય વર્ષ 2020માં રૂ. 26 લાખ કરોડે પહોંચી ગયુ છે જો કે કોરોના મહામારીના નાણાંકીય વર્ષ 2021માં તે ઘટીને રૂ. 24.4 લાખ કરોડ થયુ છે. આ આંકડા એસએન્ડપી બીએસઇ-500 કંપનીઓના છે.
હાલની પરિસ્થિતિ વર્ષ 2007-08ની તેજીના તબક્કા કરતા તદ્દન વિપરીત છે જ્યારે નાણાંકીય ઋણ અને ઉપયોગનું સ્તર ઉંચુ હતુ. તાજેતરના વર્ષોમાં ભારતીય કોર્પોરેટ સેક્ટરે નવુ મૂડીરોકાણ લગભગ બંધ કરી દીધુ છે અને નવી મૂડી મુખ્યત્વે દેવુ ઘટાડવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે.
નાણાંકીય વર્ષ 2021માં કંપનીઓએ નફા, રોકડ પ્રવાહના સંચાલન, બેલેન્સ સીટમાં દેવુ ઘટાડવા ધ્યાન કેન્દ્રિત કર્યુ, જેથી કોરોના મહામારીની પ્રતિકુળતાઓનો અસરકારક રીતે સામનો કરી શકાય.