- કોરોનાની મહામારી વચ્ચે ભારત માટે સારા સમાચાર
- ભારત ઉભરતાં બજારોમાં ત્રીજા ક્રમાંકે પહોંચ્યું
- મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં સતત સુધારાથી ભારત ત્રીજા ક્રમાંકે પહોંચ્યું
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે. મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં સતત સુધારાના કારણે ભારત સપ્ટેમ્બરમાં ઝડપથી ઉભરી રહેલા બજારોમાં 2 ક્રમાંક આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ભારતની આગળ પ્રથમ અને દ્વિતીય ક્રમાંકે અનુક્રમે ચીન અને બ્રાઝીલ છે. સાત મહિના દરમિયાન નિકાસમાં વર્ષવાર વૃદ્વિ અને 8 વર્ષમાં પરચેઝ મેનેજર ઇન્ડેક્સમાં સૌથી ઊંચા આંકને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્વિ જોવા મળી છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, નિકાસકારોએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં વર્ષવાર વૃદ્વિ નોંધાવી હતી, આ અગાઉ જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસને રોગચાળો જાહેર કરી દીધો હતો. લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ એપ્રિલ માસમાં નિકાસ 60 ટકા જેટલી ઘટી ગઇ હતી. બીજી તરફ ચીનની નિકાસમાં 10 ટકાની વૃદ્વિ નોંધાઇ હતી. આ સિવાય તમામ ઉભરતા બજારોમાં નિકાસ ગત વર્ષની તુલનાએ નીચી હતી.
નિકાસમાં વૃદ્ધિ થવાને કારણે ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમએ ઉંચકાયો હતો. સપ્ટેમ્બરમાં પીએમઆઈ રીડિંગ વધીને 56.8 થઇ ગયું હતું કે 2012 પછી સૌથી વધુ છે. બ્રાઝીલમાં પીએમઆઈ આંક 64.9 પર જોવાયો હતો.
નોંધનીય છે કે દેશમાં વધી રહેલ મોંઘવારી ચિંતાનો વિષય છે, સપ્ટેમ્બર માસમાં તે ટોચ પર જોવા મળી હતી. ભારતમાં ફુગાવાનો દર એપ્રિલમાં 6 ટકા હતો જે સપ્ટેમ્બરમાં વધીને 7.3 ટકા થઇ ગયો છે. RBI અનુસાર ચાલુ ત્રિમાસિક ગાળામાં ફુગાવો પોતાની લક્ષ્ય સીમામાં પરત આવશે અને ઘટીને 4.5 ટકા થઇ જશે.
(સંકેત)