વર્ષ 2020માં ભારતમાં 64 અબજ ડૉલરનું વિદેશી રોકાણ આવ્યું, સૌથી વધુ FDI મામલે વિશ્વમાં ભારત પાંચમાં ક્રમે
- કોરોના મહામારી છતાં ભારત વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં સફળ રહ્યું
- વર્ષ 2020 દરમિયાન ભારતમાં 64 અબજ ડોલરનું FDI આવ્યું
- આ સાથે વિદેશી મૂડીરોકાણના મામલે ભારત સમગ્ર વિશ્વમાં પાંચમાં સ્થાને
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારત વિદેશમાંથી પ્રત્યક્ષ મૂડીરોકાણ આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે. વર્ષ 2020 દરમિયાન ભારતમાં 64 અબજ ડોલરનું FDI આવ્યું છે અને આ સાથે વિદેશી મૂડીરોકાણના મામલે ભારત સમગ્ર વિશ્વમાં પાંચમાં સ્થાને રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, વર્ષ 2019 દરમિયાન ભારતમાં 51 અબજ ડૉલરનું FDI આવ્યું હતું. આ વાત સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં સામે આવી છે.
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન આર્થિક ગતિવિધિઓ ગંભીર રીતે પ્રભાવિત થઇ છે પરંતુ મજબૂત માળખાગત પરિબળોને કારણે મધ્યમ સમયગાળા માટે આશાવાદ બરકરાર રહ્યો છે.
વેપાર અને વિકાસ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા આજે સોમવારે જારી કરાયેલ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2021 માં જણાવ્યુ છે કે વૈશ્વિક એફડીઆઇ મૂડીપ્રવાહને મહામારીથી ગંભીર અસર થઇ છે. જેના કારણે વૈશ્વિક મૂડી પ્રવાહ વર્ષ 2020માં 35 ટકા ઘટીને 1500 અબજ ડોલરથી ઘટીને 1000 અબજ ડોલર નોંધાયુ છે.
વિશ્વભરમાં કોરોનાની મહામારીને કારણે લાગૂ કરાયેલા પ્રતિબંધોથી મૂડીપ્રવાહની ગતિને ધીમી કરી દીધી છે અને મંદીની આશંકાને પગલે વૈશ્વિક ઉદ્યોગજગત નવા પ્રોજેક્ટનું ફેર આંકલન કરવા મજબૂર થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં વર્ષ 2020માં FDI 27 ટકા વધીને 64 અબજ ડોલર થયુ છે જે વર્ષ 2019માં 51 અબજ ડોલર હતુ. IT સેક્ટરમાં અધિગ્રહણથી ભારત દુનિયામાં સૌથી વધુ એફડીઆઇ મેળવનાર પાંચમાં દેશો બની ગયો છે.