- ભારતના ફોરેક્સ રિઝર્વમાં સર્વોચ્ચ સ્તરેથી ઘટાડો થયો
- ભારતનું ફોરેક્સ રિઝર્વ 6.24 અબજ ડોલર ઘટીને 583.94 અબજ ડોલર નોંધાયું
- અગાઉના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ 590.18 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું
નવી દિલ્હી: ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારા બાદ હવે સર્વોચ્ચ સ્તરેથી ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર 5મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ 6.24 અબજ ડોલર ઘટીને 583.94 અબજ ડોલર નોંધાયું છે. જ્યારે તેની અગાઉના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ 4.85 અબજ ડોલરની વૃદ્વિમાં 590.18 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું.
ખાસ કરીને ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડો થવાને કારણે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ફોરેન કરન્સી એસેટ્સ સમગ્ર વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે. RBIના આંકડાઓ અનુસાર ફોરેન કરન્સી એસેટ્સ 44.88 અબજ ડોલર ઘટીને 542.33 અબજ ડોલર થયું છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર જોવા મળે છે.
ઉપરાંત સમીક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 1.32 અબજ ડોલર ઘટીને 34.96 અબજ ડોલર થયુ છે. તેવી જ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ 60 લાખ ડોલર ઘટીને 1.50 અબજ ડોલર થયુ છે. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન પણ 2.7 કરોડ ડોલર ઘટીને 5.13 અબજ ડોલર થઇ હતી.
(સંકેત)