Site icon Revoi.in

ફોરેન એસેટ્સમાં વૃદ્વિથી ભારતનું વિદેશી હૂંડિયામણ ફરી નવા શિખરે, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

Social Share

મુંબઇ:  એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતનું વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે અને ફરી એક વખત ઉંચા શિખરે પહોંચ્યું છે. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 2 ઑક્ટોબરના અંતે પૂર્ણ થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.61 અબજ ડોલર વધીને 545.63 અબજ ડોલરની નવી વિક્રમી ઉંચી સપાટીએ પહોંચ્યું છે.

ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વૃદ્વિ થવાને કારણે ભારતનું વિદેશી હૂંડિયામણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે.

સમીક્ષાધીન સમયગાળામાં રિઝર્વ બેંકના આંકડા અનુસાર ફોરેન કરન્સી એસેટ્સ 3.10 અબજ ડોલર વધીને 503.04 અબજ ડોલર નોંધાયું છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે, યુરો, પાઉન્ડ અને યેન જેવી વૈશ્વિક કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે.

બીજી તરફ સમીક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 48.6 અબજ ડોલર વધીને 36.48 અબજ ડોલર થયું હતું.

સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 1 કરોડ ડોલર વધીને 1.476 અબજ ડોલર થયા છે. બીજી તરફ IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 2.3 કરોડ ડોલર વધીને 4.63 અબજ ડોલર થઇ ગઇ હતી.

મહત્વનું છે કે, કોરોનાની મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતાનો દોર જોવા મળી રહ્યો છે અને ખુદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ પણ આશંકા વ્યક્ત કરી છે કે જ્યાં સુધી કોરોનાનો પ્રસાર નહીં અટકે ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્રમાં નક્કર રિકવરી જોવા મળશે નહીં. જો કે અનેક દેશમાં અનલોક બાદ અર્થતંત્રમાં કેટલાક અંશે સુધારો ચોક્કસ જોવા મળ્યો છે.

(સંકેત)