- સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ
- ભારતનું વિદેશી હૂંડિયામણ 1.19 અબજ ડોલર વધીને 582.40 અબજ ડોલર થયું
- 29 જાન્યુઆરી, 2021ના રોજ ફોરેક્સ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું
નવી દિલ્હી: કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર છે. સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં વધારો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતનું વિદેશી હૂંડિયામણ 16 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે 1.19 અબજ ડોલર વધીને 582.40 અબજ ડોલર થયું છે. જ્યારે તેની પૂર્વે 9 એપ્રિલ, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશનું ફોરેક્સ રિઝર્વ 4.34 અબજ ડોલર વધીને 581.21 અબજ ડોલર થયું છે.
આ વખતે ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો થવાને કારણે વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ, 29 જાન્યુઆરી, 2021ના રોજ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું.
રિઝર્વ બેન્કના આંકડા મુજબ ફોરેન કરન્સી એસેટ્સ 1.13 અબજ ડોલર વધીને 540.58 અબજ ડોલર થયુ છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો છે જે સમગ્ર વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે.
ભારતનું ગોલ્ડ રિઝર્વ 3.4 કરોડ ડોલર વધીને 35.35 અબજ ડોલર થયુ છે. તો ઇન્ટરનેશનલ મોનેટરિગ ફંડ (આઇએમએફ)માં ભારતનાં સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 60 લાખ ડોલર વધીને 1.49 અબજ ડોલર થયા છે.
(સંકેત)