- ભારતમાં વેક્સિનેશનના મજબૂત અભિયાનથી ભારતીય અર્થતંત્રને થશે અસર
- વેક્સિનેશનને કારણે ભારતીય અર્થતંત્ર 11 ટકાના દરે વિકાસ કરશે: ADB
- જો કે ADBએ કોરોનાની બીજી લહેરથી ભારતને સાવચેત રહેવા જણાવ્યું
નવી દિલ્હી: ભારતમાં વેક્સિનેશનના મજબૂત અભિયાનને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 11 ટકાના દરે વિકાસ કરશે તેવો અંદાજ એશિયન ડેવલપમેન્ટ બેંકે વ્યક્ત કર્યો છે. જો કે એડીબીએ કોરોનાની બીજી લહેરથી ભારતને સાવચેત રહેવા પણ જણાવ્યું છે.
એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક, 2021 અનુસાર નાણાકીય વર્ષ 2021માં ભારતનો જીડીપી 11 ટકા રહે તેવી શક્યતા છે. એડીબી દ્વારા 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થતા વર્ષનો ભારતીય અર્થતંત્રના વિકાસનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોરોના સામે મજબૂત રસીકરણ અભિયાનને ધ્યાનમાં રાખીને એડીબી દ્વારા ભારતીય અર્થતંત્રનો આ અંદાજ વ્યક્ત કરાયો છે. જો કે કોરોનાની હાલમાં ચાલી રહેલી બીજી લહેર ભારતીય અર્થતંત્રના વિકાસને રૂંધી પણ શકે છે.
એડીબીએ વધુમાં જણાવ્યું છે કે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટમાં વધારો, ઝડપી વેક્સિનેશન અને ઘરેલુ બજારમાં માગમાં વધારો ભારતીય અર્થતંત્રને વેગ આપશે. જો કે આ અંદાજ ઝડપી રસીકરણ કાર્યક્રમ અને કોરોનાની બીજી લહેરમાં અંકુશ મેળવવાની આશા પર એડીબી દ્વારા ભારતીય જીડીપીનો આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભારતીય અર્થતંત્ર સામે બીજુ જોખમ વૈશ્વિક નાણાકીય સ્થિતિનો છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારોની સ્થિતિની અસર ભારતના બજાર વ્યાજ દરો પર પડે છે.
ADBના અંદાજ અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો જીડીપી સાત ટકા થવાનો અંદાજ છે. મહત્વનું છે કે, નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીમાં 8 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.
(સંકેત)