- વૈશ્વિક અર્થતંત્રમાં વોલેટિલિટી વચ્ચે ગોલ્ડ ઇટીએફમાં મૂડીપ્રવાહ વધ્યો
- વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત 7 મહિનાથી નવો મૂડીપ્રવાહ
- કુલ ગોલ્ડ હોલ્ડિંગ વિક્રમી 3785 ટન જેટલું થયું
કોરોના સંકટને કારણે એક તરફ વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વિશ્વના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સતત 7 મહિનાથી નવો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને કુલ ગોલ્ડ હોલ્ડિંગ વિક્રમી 3785 ટન જેટલું થયું છે. ફંડ્સ પાસે આટલી મોટી માત્રમાં સોનું પ્રથમવાર આવ્યું છે. અમેરિકા, યુરોપ ઉપરાંત ભારતમાં પણ ગોલ્ડ ઇટીએફની બોલબાલા છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર કેલેન્ડર વર્ષ 2020માં પ્રથમ સાત મહિનામાં ભારતમાં ગોલ્ડ ફંડ્સમાં નવો રૂ.4451.90 કરોડનો પ્રવાહ જોવા મળ્યો છે. જુલાઇ મહિનામાં નવો પ્રવાહ રૂ.921.19 કરોડનો રહ્યો છે. ભારતમાં કુલ ઇટીએફ અસ્ક્યામત જુલાઇના અંતે રૂ.12940.7 કરોડ આંકવામાં આવી છે.
સોનાના વધતા ભાવ સાથે સતત ત્રીજા મહીને ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં નવો પ્રવાહ આવી રહ્યો છે. આ સાત મહિનામાં માત્ર માર્ચમાં રૂ.૧૯૪.૩૫ કરોડનો ઉપાડ જોવા મળ્યો હતો. વૈશ્વિક રીતે કોરોનાના વધી રહેલા વ્યાપની સાથે નાણા બજારમાં અનિશ્ચિતતા જોવા મળી હતી અને એના કારણે પ્રવાહ ઘટ્યો હોય એવી શક્યતા છે.
મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૯થી જુલાઈ ૨૦૨૦ વચ્ચે ભારતીય ઈટીએફનું ગોલ્ડ હોલ્ડીંગ ૭.૧ ટન વધી ૨૩.૯ ટન થયું છે.
(સંકેત)