- દેશના અર્થતંત્રને લઇને સકારાત્મક સમાચાર
- ઔદ્યોગિક ક્ષેત્રે 6 મહિના બાદ રિકવરી
- સપ્ટેમ્બર મહિનામાં IIP ગ્રોથ 0.2 ટકા નોંધાયો
નવી દિલ્હી: દેશના અર્થતંત્રને લઇને સકારાત્મક સમાચાર છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત 6 મહિના નકારાત્મક વૃદ્વિ નોંધાયા બાદ પ્રથમવાર સપ્ટેમ્બરમાં સકારાત્મક વૃદ્વિ જોવા મળી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) ગ્રોથ 0.2 ટકા નોંધાયો છે. અર્થાત્, હાલ માત્ર ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગ સેક્ટરના પ્રોડક્શનમાં જ વૃદ્વિ જોવા મળી છે. જો કે દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઉત્પાદન વૃદ્વિ દર નેગેટિવ ઝોનમાં રહ્યો છે.
આપને જણાવી દઇએ કે, સપ્ટેમ્બર 2019માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP)માં 4.6 ટકાનું સંકોચન નોંધાયુ હતું.
Industrial production remains flat at 0.2 per cent growth in September: Govt data
— Press Trust of India (@PTI_News) November 12, 2020
કોર સેક્ટરના પ્રોડક્શનમાં થયેલ વૃદ્વિના પરિણામ સ્વરૂપ ઔદ્યોગિક ઉત્પાદનમાં રિકવરી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં કોર સેક્ટરનું ઉત્પાદન માત્ર 0.8 ટકા હતું જે ચાલું વર્ષમાં સૌથી ઓછુ છે. કોર સેક્ટર દેશના IIPમાં 40 ટકા યોગદાન આપે છે. ઑગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઉત્પાદનમાં 8.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માઇનિંગ અને વીજ સેક્ટરના ઉત્પાદનમાં અનુક્રમે 9.8 ટકા અને 1.8 ટકાનો ઘટાડો થયો છે.
સપ્ટેમ્બર મહિનામાં માઇનિંગ સેક્ટરના આઉટપૂટમાં 1.4 ટકાની વૃદ્વિ નોંધાઇ છે જ્યારે પાવર સેક્ટરનો ગ્રોથ 4.9 ટકા રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 0.6 ટકા ઘટ્યું છે.
RBI અનુસાર, ભારતીય અર્થતંત્રમાં અંદાજ કરતા વધારે ઝડપથી રિકવરી જોવા મળી રહી છે અને દેશનો ઇકોનોમિક ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધશે. અર્થાત્, આરબીઆઇએ નાણાંકીય વર્ષના જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથમાં 8.6 ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો છે.
(સંકેત)