- કોરોના સંકટકાળમાં વિદેશમાં ભારતીય મરી-મસાલાઓની માંગ વધી
- વિદેશમાં માંગ વધતા ભારતીય મરી-મસાલાઓની નિકાસમાં પણ વૃદ્વિ
- દેશમાંથી 10001.61 કરોડ રૂપિયાની મૂલ્યના મસાલાની નિકાસ થઇ
નવી દિલ્હી: ભારતીય મરી-મસાલાઓની વિદેશમાં પણ માંગ વધી છે. કોરોના સંકટકાળમાં વિદેશમાં ભારતીય મરી-મસાલાઓની માંગ વધતા નિકાસમાં પણ વૃદ્વિ જોવા મળી છે. ભારતમાંથી મરી-મસાલાઓની નિકાસ એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન પાછલા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 15 ટકા વધારે થઇ છે. આ સમયગાળામાં દેશમાંથી 10001.61 કરોડ રૂપિયાની મૂલ્યના મસાલાની નિકાસ થઇ છે જે પાછલા વર્ષના સમયગાળામાં 8858.08 કરોડ રૂપિયા હતી. દેશની મસાલાની નિકાસમાં લાલ મરચા, જીરું અને હળદરનું યોગદાન સૌથી વધારે છે.
ક્યાં મસાલાની કેટલી નિકાસ થઇ
સૌથી વધુ નિકાસ લાલ મરચાની થઇ છે. લાલ મરચાની નિકાસ 210500 ટનની સાથે પ્રથમ સ્થાને રહી છે. લાલ મરચાની નિકાસ જથ્થા તેમજ મૂલ્યની રીતે 30 ટકા વધી છે. જીરાની નિકાસ 1.33 લાખ ટને પહોંચી ગઇ જ્યારે તેનું મૂલ્ય 1873.70 કરોડ રૂપિયા રહ્યું છે. જીરાની નિકાસ જથ્થા અને મૂલ્યની રીતે 19 ટકા વધી છે. એલચીની નિકાસ મૂલ્યની રીતે 298 ટકા અને જથ્થાની રીતે 225 ટકા વધી છે.
દેશમાં સુંઠની નિકાસ 107 ટકા વધીને 19700 ટને પહોંચી ગઇ. જ્યારે હળદરની નિકાસ 79 હજાર ટન રહી તેમજ તેનું મૂલ્ય 704.10 કરોડ રૂપિયા રહી. હળદરની નિકાસ જથ્થાની રીતે 37 ટકા તેમજ મૂલ્યની રીતે 35 ટકા વધી છે.
સમીક્ષાધીન સમયગાળામાં મેથી, ધાણા તેમજ અન્ય સીડ મસાલાઓની નિકાસમાં પણ વૃદ્વિ નોંધાઇ છે. ધાણાની નિકાસ 22750 ટન તેમજ મૂલ્યની રીતે 192.12 કરોડ રૂપિયા રહી. જાવિત્રી-જાયફળની નિકાસ જથ્થાની રીતે 41 ટકા તેમજ મૂલ્યની રીતે 33 ટકા વધી છે.
(સંકેત)