- કોરોના મહામારીને કારણે બેરોજગારીનો દર સતત વધ્યો
- ભારતમાં બેરોજગારીનો દર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો
- વર્ષ 2020 દરમિયાન ભારતનો બેરોજગારીનો દર વધીને 7.11 ટકા નોંધાયો
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સમગ્ર અર્થતંત્રને વ્યાપકપણે ફટકો પડ્યો છે અને તેને લીધી ખાસ કરીને બેરોજગારીના દરમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, છેલ્લા 1 દાયકામાં ભારતનો બેરોજગારીનો દર તેના પાડોશી દેશોની તુલનામાં સૌથી વધુ રહ્યો છે.
ILO અનુસાર, વર્ષ 2020 દરમિયાન ભારતનો બેરોજગારીનો દર વધીને 7.11 ટકા થઇ ગયો છે. ગત ત્રણ દાયકાનું આ સર્વોચ્ચ સ્તર છે. કોરોના કાળમાં દેશમાં રોજગાર, કામધંધા પર ખૂબ જ અસર થઇ છે.
કોરોના મહામારીને કારણે શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ બેરોજગારી વધી રહી છે. 23મેના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન શહેરી બેરોજગારી દર 17.41 ટકા પર પહોંચી ગઇ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો તે વધીને વર્ષના સર્વોચ્ચ સ્તર એટલે કે 27.1 ટકા પર પહોંચી શકે છે.
લોકડાઉન જેવા નિયંત્રણોને કારણે શહેરો અને ગામડાઓમાં રોજગારીનું સર્જન શૂન્યની આસપાસ છે. આવાગમન પર પ્રતિબંધથી શહેરોમાં બેરોજગારી વધી છે. તે 23 મે 2021 ના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 14.73 ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો, જે 4 એપ્રિલના રોજ 8.16 ટકા હતો. આ સમયગાળા દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 8.58 ટકાથી વધીને 13.52 ટકા પર પહોચી ગયો છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે વેપાર-ધંધાને પ્રતિકૂળ અસર પડી છે. અનેકને પોતાના ધંધા બંધ કરવા સુધીની નોબત આવી છે. પરપ્રાંતિય મજૂરો ઘરે પરત ફર્યા તો બીજી તરફ ઉત્પાદનની પ્રવૃત્તિઓ ખરાબ રીતે પ્રભાવિત થઇ.