- ઇંધણ મોંઘુ થતા જથ્થાબંધ ફુગાવો પણ વધ્યો
- જથ્થાબંધ ફુગાવો ઑગસ્ટમાં વધીને 11.39 ટકા થયો
- મેન્યુફેક્ચર્ડ માલસામાનની કિંમતોમાં વૃદ્વિને કારણે ભાવ વધ્યો
નવી દિલ્હી: ભારતમાં મોંઘવારીમાં વધારો થયો છે. ઑગસ્ટ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે જથ્થાબંધ ભાવાંકની દૃષ્ટિએ ફુગાવાનો દર વધીને 11.39 ટકા થયો છે જેનું કારણ મેન્યુફેક્ચર્ડ માલસામાનની કિંમતોમાં ચાલી રહેલી વૃદ્વિ છે. જો કે ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં નરમાઇને હોલસેલ ફુગાવો મર્યાદિત વધ્યો છે.
બીજી તરફ સતત પાંચમાં મહિને જથ્થાબંધ મોંઘવારી દર બે આંકમાં આવ્યો છે. જુલાઇ, 2021માં જથ્થાબંધ મોંઘવારી દર 11.16 ટકા અને ઑગસ્ટ 2020માં 0.41 ટકા હતા.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે, ઓગસ્ટ 2021માં જથ્થાબંધ મોંઘવારી દર વધવાનુ કારણ મુખ્યત્વે ગત વર્ષના સમાન મહિનાની સરખામણીએ બિન ખાદ્ય ચીજવસ્તુઓ, ક્રૂડ ઓઇલ – પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ઉંચા ભાવ, ધાતુમાંથી બનેલી મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટો, રસાયણો અને કેમિકલ પ્રોડક્ટોના ભાવમાં વધારો છે.
બીજી તરફ ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર સતત ચોથા મહિને ઘટ્યો છે અને તે જુલાઇના શૂન્યના સ્તરથી વધુ ઘટીને ઑગસ્ટમાં -1.29 ટકા થયો છે. જ્યારે ડુંગળી અને કઠોળની કિંમતો વધી છે. ઑગસ્ટમાં ડુંગળીની કિંમત 62.78 ટકા તેમજ કઠોળની કિંમત 9.41 ટકા વધી છે.
ઓગસ્ટ મહિનામાં ઓઇલ અને કુદરત ગેસના ભાવ 40.03 ટકા વધઅયા છે. તો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટોમાં મોંઘવારી જુલાઇના 11.20 ટકાની સામે ઓગસ્ટમાં 11.39 ટકા રહ્યો છે.