- પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા સરકારની યોજના
- પોતાના રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના
- તેનાથી ભાવ નિયંત્રણમાં આવશે
નવી દિલ્હી: દિવાળીના પર્વ દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હોવા છતાં અનેક દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે. કેટલાક શહેરોમાં ડીઝલ પણ 100ને પાર થયું છે. હવે ઇંધણની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકાર યોજના બનાવી રહી છે.
સરકાર હવે ઇંધણની કિંમતોને અંકુશમાં રાખવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓ સાથે તાલમેલ બેસાડીને પોતાના રણનીતિક તેલ ભંડારમાંથી 50 લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, ઇમરજન્સી સ્ટોકમાંથી કાઢવામાં આવતા આ ક્રૂડ ઓઇલને મંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને વેચવામાં આવશે. આ વિશે ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સાત-દસ દિવસમાં તેલ કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, એક તરફ તેલની આંતરરાષ્ટ્રીય કિંમતો ભડકે બળી રહી છે ત્યારે ભારતે આ તેજી વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતના પશ્વિમી તેમજ પૂર્વી કિનારા પર વ્યૂહાત્મક તેલ ભંડાર સ્થિત છે. તેમની સંયુક્ત સંગ્રહ ક્ષમતા અંદાજે 38 મિલિયનની આસપાસ છે.