- ભારતીય અર્થતંત્રમાં વૃદ્વિને લઇને સકારાત્મક સમાચાર
- ભારતીય અર્થતંત્ર નવા વર્ષે ઘણી સારી સ્થિતિમાં હશે
- દેશને આવતા નાણાકીય વર્ષમાં મજબૂત તેમજ ટકાઉ વિકાસની દિશામાં પાછો લાવી શકાશે
નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો અને અર્થતંત્રમાં મંદી પ્રવર્તી હતી. જો કે નાણા મંત્રાલયના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વૃદ્વિ અને ફુગાવાના પરિણામે વર્ષ 2021-22માં અર્થતંત્રના સંપૂર્ણ પુનરુદ્વારની સરખામણીએ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા છે. નાણાં મંત્રાલયના આર્થિક અહેવાલમાં પણ કહેવામાં આવ્યું છે કે ભારત વિશ્વ માટે કોવિડ-19 રસીનું કેન્દ્ર બની ગયું છે.
અહેવાલ અનુસાર, કેન્દ્રીય બજેટ 2021-22માં જાહેર કરાયેલા પગલાંઓની સાથે સંરચનાત્મક સુધારાઓ તેમજ આત્મનિર્ભર ભારત મિશન હેઠળ નીતિગત મદદથી વ્યાપક આધારે સમાવિષ્ટ વૃદ્વિ તરફ દોરી જશે. આનાથી દેશને આવતા નાણાકીય વર્ષમાં મજબૂત તેમજ ટકાઉ વિકાસની દિશામાં પાછો લાવી શકાશે. વૃદ્વિ અને ફુગાવાના સંજોગો 2021-22માં પુનરુત્થાન કરતાં વધી જશે.
કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાકીય વર્ષમાં 7.7 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલી વાર્ષિક આર્થિક સમીક્ષામાં વિકાસ દર 2021-22માં 11 ટકા સુધી પહોંચવાની ધારણા છે. બજેટમાં વાસ્તવિક જીડીપીમાં 10 થી સાડા દસ ટકાના વધારાની પણ આગાહી કરવામાં આવી છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2021-22 માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)એ ઉત્પાદનમાં 11.5 ટકાની વૃદ્ધિ, આર્થિક સર્વેએ 11 ટકા આર્થિક વૃદ્ધિ અને રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમિતિએ 10.5 ટકાના વધારાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આવી સ્થિતિમાં, આ નાણાકીય વર્ષ પુનઃનિર્માણવાળું રહેવાનું છે.
(સંકેત)