- ભારતીય શેરમાર્કેટની સતત તેજી તરફ દોડ
- ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું શેરમાર્કેટ બન્યું
- ભારતીય શેરબજારની માર્કેટ કેપ 3.4 લાખ કરોડ ડૉલરને પાર
નવી દિલ્હી: ભારતીય શેરમાર્કેટ સતત તેજી તરફ પ્રયાણ કરી રહ્યું છે અને રોજબરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યું છે. ગુરુવારે સેન્સેક્સે પ્રથમવાર 59 હજારની સપાટી વટાવી હતી. આ કારણે ભારતીય શેરબજારની માર્કેટ કેપ 3.4 લાખ કરોડ ડૉલરને પાર કરી ગઇ છે અને તે ફ્રાંસને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું માર્કેટ બની ગયું છે.
શુક્રવારે પણ ભારતીય શેરમાર્કેટની શરૂઆત ગ્રીન સીગ્નલ સાથે થઇ હતી અને જલ્દી જ શેરમાર્કેટ હવે 60 હજારના જાદુઇ આંકડાને પાર થઇ શકે છે.
એક અહેવાલ અનુસાર માર્કેટ કેપના આધાર ર અમેરિકી શેર માર્કેટ નંબર 1 પર છે. વોલ સ્ટ્રીટની ટોટલ માર્કેટ કેપ 51 ટ્રિલિયન ડૉલરને પાર છે. બીજા નંબરે ચીનનું શેર માર્કેટ છે જેની માર્કેટ કેપ 12 ટ્રિલિયન ડૉલર છે. ત્યારબાદ 7 ટ્રિલિયન ડૉલર સાથે જાપાન ત્રીજા નંબરે, 6 ટ્રિલિયન ડૉલર સાથે હોંગકોંગ ચોથા નંબરે, 3.68 ટ્રિલિયન ડૉલર સાથે બ્રિટન પાંચમાં નંબરે અને 3.41 ટ્રિલિયન ડૉલર સાથે ભારત છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગયું છે. ફ્રાંસ હવે 3.40 ટ્રિલિયન ડૉલર સાથે સાતમાં ક્રમાંકે સરકી ગયું છે.
રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ભારતીય શેર બજારની માર્કેટ કેપમાં સૌથી વધારે 874 અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. 31 ડિસેમ્બર, 2020ના રોજ તે 2.52 ટ્રિલિયન ડોલર હતી જે 35 ટકા ઉછળીને 3.41 ટ્રિલિયન ડોલર પાર કરી ચુકી છે.