- બજેટના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીની ચાલ હજુ પણ યથાવત્
- ભારતીય શેરમાર્કેટ હવે દુનિયાનું 7મું સૌથી મોટું શેરબજાર
- ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીરોકાણ વધીને 2.7 ટ્રિલિયન ડોલર
મુંબઇ: બજેટના દિવસથી ભારતીય શેરબજારમાં તેજીનો ઘોડો સતત દોડી રહ્યો છે અને દરરોજ નવા કિર્તીમાન સ્થાપિત થઇ રહ્યા છે. ભારતીય શેરબજારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય શેરમાર્કેટ હવે દુનિયાનું 7મું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. હકીકતમાં, બજારમાં શાનદાર તેજીને કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં ઉછાળો આવ્યો છે. ભારતીય શેરબજારની માર્કેટ કેપે ત્રીજા સ્થાને કુદકો લગાવ્યો છે. હવે, 7માં સ્થાને પહોંચી ગયું છે. આ ઉછાળા સાથે જ ભારતીય શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીરોકાણ વધીને 2.7 ટ્રિલિયન ડોલરથી વધુ થઇ ગયું છે.
સોમવારે પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ સોમવારે 51,300ને પાર તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 15,100ના પાર બંધ રહ્યો. જ્યારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 8 ફેબ્રુઆરીએ વધીને 2,02,82,798.08 કરોડ રૂપિયા થઇ ગયું છે.
ભારતીય શેરબજારનું કદ કેનેડા, જર્મની કરતા વધ્યું
ભારતીય શેરબજારનું કદ સતત વધી રહ્યું છે. હવે તેનું કદ કેનેડા, જર્મની તેમજ સાઉદી અરબથી પણ વધી ગયું છે. હાલ છઠ્ઠા નંબરે ફ્રાન્સનું શેરબજાર છે. જેનું માર્કેટ કેપ 2.86 ટ્રિલિયન ડોલરનું છે. ભારતીય શેરબજારમાં જે રીતે તેજીનો ઘોડો ચાલી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે ફ્રાન્સના શેરબજારને પાછળ છોડી ભારતીય શેરબજાર છઠ્ઠા ક્રમે પહોંચી શકે છે.
વર્ષ 2021ની વાત કરીએ તો અત્યારસુધીમાં ટોપ 15 દેશોના શેરબજારમાં ભારતીય માર્કેટનું પ્રદર્શન બીજા સ્થાને રહ્યું છે. બજાર મૂલ્યાંકનના આધારે કેનેડા 8મું સૌથી મોટું શેરબજાર છે. જર્મનીના શેરબજારનું મૂલ્ય 2.53 ટ્રિલિયન ડોલર છે. હાલમાં, વિશ્વના ટોચ 7 બજારોમાં યુરોપના ફક્ત બે દેશ ફ્રાન્સ અને યૂકે સામેલ છે.
મહત્વનું છે કે, કોરોના સંકટના સમયથી શરૂ થયેલ ભારતીય બજારોમાં વિદેશની રોકાણનો સીલસીલો અત્યારે પણ યથાવત છે.
(સંકેત)