ભારતની પ્રોડક્ટની વિદેશના માર્કેટમાં માંગ વધી, એપ્રિલ-ઑક્ટોબરમાં નિકાસ 78% વધી
- દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત
- એપ્રિલ-ઓક્ટોબરમાં નિકાસ 78 ટકા વધી
- વેપાર ખાધ ઘટીને 19.9 અબજ ડોલર નોંધાઇ
નવી દિલ્હી: દેશ હવે ધીરે ધીરે કોરોનાના પ્રકોપમાંથી બહાર આવી રહ્યો છે અને દેશમાં હવે ગતિ અને ઉર્જાનો માહોલ વ્યાપકપણે જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક અને વ્યાપારિક પ્રવૃત્તિઓ ફરીથી ધમધમી રહી છે. ભારતીય પ્રોડક્ટોની વિદેશના માર્કેટમાં ફરીથી માંગ વધી છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન ભારતની વેપારી નિકાસમાં જોરદાર વૃદ્વિ જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એપ્રિલ-ઑક્ટોબર 2021માં ભારતની મર્ચેન્ડાઇઝ આયાત 331.29 અબજ ડૉલર હતી. ગત વર્ષે આ જ સમયગાળામાં એટલે કે એપ્રિલ-ઑક્ટોબર 2020માં આ આંકડો 185.28 અબજ ડોલર હતો.
નિકાસની વાત કરીએ તો ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન નિકાસ 232.58 અબજ ડોલર રહેવા પામી છે, જે વર્ષ 2020ના 150.53 અબજ ડોલર કરતાં 54.51 ટકા અને વર્ષ 2019ના 185.4 અબજ ડોલર કરતા 25.45 ટકા વધુ છે.
ઑક્ટોબર મહિનાના આંકડાઓનું આકલન કરીએ તો માલુમ પડે છે કે, ભારતની મર્ચેન્ડાઇઝ આયાત 55.37 અબજ ડોલર હતી, જે ઓક્ટોબર 2020માં 34.07 અબજ ડૉલરના આંકડા કરતાં 62.49 વધી હતી, આ મહિનામાં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ 35.47 અબજ ડોલર હતી. ઑક્ટોબર, 2020માં નિકાસ 24.92 અબજ ડોલર હતી.
બીજી તરફ વેપારી ખાધ પર નજર કરીએ તો ઓક્ટોબર 2021માં વેપારી ખાધ 19.9 અબજ ડોલર અને એપ્રિલ-ઓક્ટોબર, 2021માં વેપારી ખાધ 98.61 અબજ ડોલર જોવા મળી છે.